(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૧૮
કોડીનાર તાલુકાના છારા બંદરની હોડી ૪ ખલાસીઓ સાથે દરિયામાં માછીમારી કરવા ગયા બાદ દરિયામાં લા૫તા થઈ જતા ખલાસીઓના પરિવાર અને માછીમાર સમાજમાં ભારે ચિંતાના વાદળો છવાયા છે. આ અંગેની મળતી વિગતો મુજબ કોડીનાર તાલુકાના છારા બંદરે કાનાભાઈ ઉકાભાઈ ચુડાસમાની માલિકીની “હમ હિન્દુસ્તાની” નામની નાની બોટ હોડી લઈને ભગવાન સીનાભાઈ ચુડાસમા, સુરેશ ભગવાનભાઈ ચુડાસમા, શૈલેશ વજુભાઈ ચુડાસમા અને પ્રતાપ રાજાભાઈ ઠાકોર નામના ખલાસીઓ ગત રવિવારે બપોરે ૩ વાગ્યે દરિયામાં ભારે પવન હોવા છતાં છારા બંદરેથી માછીમારી કરવા ગયા હતા. ત્યારબાદ પરત ન ફરતા અને હોડીમાં રહેલા ચારેય ખલાસીઓનો કોઈ સંપર્ક થતો નથી. આમ હોડી લાપતા થતા ખલાસીઓ અને માછીમાર સમાજમાં લાપતા હોડી અંગે ચિંતાના વાદળો છવાયા હતા, તે દરમિયાન ગઈ કાલે ખલાસીઓના પરિવારને વેરાવળથી અન્ય બોટના ખલાસીએ ફોન કરી કહ્યું હતું કે, તમારી હોડી ધામલેજ-મૂળ દ્વારકાના દરિયા વચ્ચે ૧૮ વામ પાણીમાં હોડીનું મશીન બંધ થઈ જવાથી ફસાઈ ગઈ હોય ખલાસીઓએ છારા બંદરનો ફોન નંબર આપી પરિવારને જાણ કરવાનું કહ્યાને ફોન આપતા લાપતા હોડી માલિકે છારા ગામના સરપંચ ભરતભાઈને જાણ કરી હતી. જેની ફિશરીઝ વિભાગને જાણ કરી હતી. આ લાપતા હોડીમાં એક જ ઘરના ૩ ખલાસીઓ અને અન્ય એક ખલાસી જાફરાબાદ તાલુકાનો હોવાનું જાણવા મળેલ છે.
એક તરફ કોસ્ટગાર્ડ પેટ્રોલિંગના બણગાં ફૂંકી દિવથી વેરાવળના દરિયામાં સ્પીડ બોટ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરાતું હોવાનાં ફાંકા મારી રહ્યું છે. ત્યારે પેટ્રોલિંગના રૂટમાં આવતા ધામલેજ-મૂળ દ્વારકા દરિયા વચ્ચે ફસાયેલી આ હોડી કોસ્ટગાર્ડની નજરે નહીં આવી હોય કે પછી કોસ્ટગાર્ડ ફક્ત કાગળ ઉપર જ પેટ્રોલિંગ કરી રહ્યું છે ? ગઈકાલે લાપતા હોડી અંગે વેરાવળની બોટે મેસેજ આપ્યા છતાં હજુ સુધી હોડીના કોઈ સગડ મળ્યા ન હોય ખલાસીઓના પરિવાર અને માછીમાર સમાજમાં ભારે ચિંતાની લાગણી સાથે કોસ્ટગાર્ડની કામગીરી સામે રોષની લાગણી ફેલાઈ છે.