(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૪
કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે ભુસ્ખલન અને વરસાદથી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. બાલતાલ ખાતે ભારે વરસાદથી ભુસ્ખલન થતા યાત્રા રોકી દેવામાં આવી હતી. વડોદરા અને આણંદનાં ૧૦૦ થી વધુ યાત્રીઓ અટવાયા હોવાનો સંદેશો મળતા પરિવારજનોની ચિંતામાં વધારો નોંધાયો હતો. વડોદરા અને આણંદથી પરિવારજનો દ્વારા કાશ્મીરમાં અટવાયેલા સંબંધીઓની પૃચ્છા કરવા મોબાઇલ ફોનથી સતત સંપર્ક કરવાનાં પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ખરાબ હવામાનનાં કારણે નેટવર્ક નહીં પકડવાની ફરીયાદો યથાવત રહી છે. આથી પરિવારજનો દ્વારા પોતાના સગા-સબંધીઓના સમાચાર મેળવવા ભાગદોડ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.એક સપ્તાહ પૂર્વે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો. વડોદરા સહિત રાજ્યભરમાંથી સેંકડો યાત્રીએ અમરનાથના દર્શને જવા અત્રેથી રવાના થયા હતા. અમરનાથ યાત્રાના માર્ગ પર અભુતપૂર્વ અભેદ્ય સુરક્ષા કવચ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં બ્લેક કેટ કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.અમરનાથ યાત્રાનો પ્રારંભ થયા બાદ કુદરતી આફતનું વિઘ્ન આડે આવતા બે થી ત્રણ વાર અમરનાથ યાત્રા અટકાવી દેવાની ફરજ પડી હતી. બુધવારની સવારે પણ ભુસ્ખલન થતા ત્રણ યાત્રાઓના મોત નિપજ્યા હતા. બાલતાલ ખાતે ભારે વરસાદથી ભુસ્ખલનના કારણે અમરનાથ યાત્રાને અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા અને આણંદના લગભગ ૧૦૦ થી વધુ યાત્રીઓ પણ અટવાઇ ગયા હોવાનો સંદેશો અત્રે આવી પહોંચતા પરિવારજનો દ્વારા પોતાના સગા-સંબંધીઓની સલામતી અને સુરક્ષાને લઇ પૂછપરછની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનો દ્વારા પોતાના સગા-સંબંધીનો સંપર્ક થયો હોવાનો વિગતો સાંપડી નથી.