વાગરા, તા.૨૭
વાગરાના અખોડ ગામે ત્રણ યુવાનોના રહસ્યમય મોતથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.
વાગરા તાલુકાના અખોડ ગામે રાઠોડ સમાજના ત્રણ યુવાનોના મોતથી માતમ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના સમયે અખોડથી નાંદરખાં જવાના માર્ગ પર આવેલ ગૌચરણ તલાવડીની પાળ પાસે ત્રણ યુવાનો બેહોશ અવસ્થામાં મળી આવ્યા હતા. જેઓની તપાસ કરતા ઉક્ત ત્રણેય યુવાનોને ઝેરી દવાની અસર થઈ હોવાનું લાગતા તેઓને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શ્રમિક પરિવારના ત્રણ યુવકોના અકાળે મોત થતાં શ્રમિક પરિવાર પર રિતસરનું આભ તૂટી પડ્યું હતું. ત્રણ પૈકી કરણ લક્ષ્મણ રાઠોડ (ઉ.વ.૨૦), સુરેશ રણજીત રાઠોડ (ઉ.વ.૨૧), વિજય દિપક રાઠોડ (ઉ.વ.૨૧), તમામ (રહે.જૂનું ફળિયુ,અખોડ) હોવાની માહિતી સાંપડી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજબ ત્રણેય યુવકો કૌટુંબિક રીતે સગાસંબંધી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેયના મોત જંતુનાશક દવા લાગવાથી થયા છે કે, પછી કોઈ ઝેરી દવા ગટગટાવી લેવાથી થયા છે, એ તો પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. હાલ તો ત્રણ યુવકનાં મોતને પગલે આખું અખોડ ગામ હિબકે ચઢ્યું છે.