(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૦
શહેરની જમનાબાઇ હોસ્પિટલમાં ગાયનેક વિભાગના તબીબની નિષ્કાળજીને કારણે ૧૫ દિવસથી બાળકીના હાથના ૩ ટુકડા થઇ ગયા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. હોસ્પિટલનાં તબીબે જણાવ્યું કે, બાળકીનો ફ્રેકચર થયેલો હાથ સારો થઇ જશે.શહેરના સમા વિસ્તારમાં રહેતા મુળ રાજસ્થાની રાકેશ ખેદડએ જણાવ્યું હતું કે, ગત ૨૩ જૂનના રોજ મારી પત્ની કવિતાએ જમનાબાઇ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. પત્નીની પ્રસુતિ કરાવનાર તબીબની બેદરકારીને કારણે બાળકીના હાથના હાંડકાના ૩ ટુકડા થઇ ગયા હોવાનું બાળકીના પિતાએ આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તબીબની બેદરકારીને કારણે મારી બાળકીનાં હાથે ફ્રેકચર થયા બાદ તબીબે પ્લાસ્ટર મારી આપ્યું હતું.
૧૫ દિવસ બાદ દિકરીના હાથનું પ્લાસ્ટર ખોલાવવા માટે હોસ્પિટલ ગયો હતો. પ્લાસ્ટર ખોલાવ્યા બાદ તબીબે એકસ-રે પાડવાની કોઇ જરૂરિયાત ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ દીકરી દર્દથી પીડાતી હોવાથી તેઓએ નિઝામપુરા ખાતે એકસ-રે પડાવ્યો હતો. એકસ-રે અમારા તબીબને બતાવતા હાથની હાલત ખરાબ થઇ ગઇ હોવાનું જણાવતા જમનાબાઇ હોસ્પિટલમાં ગયા હતા અને દીકરીના હાથને નુકસાન પહોંચાડનાર તબીબને મળીને રજૂઆત કરતાં તેમણે અમારી રજૂઆતને ધ્યાન પર લીધી ન હતી.
જમનાબાઇ હોસ્પિટલના ડોકટર કે.એચ. મિશ્રાએ આ ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે, ૨૩ જૂને મહિલાને ડિલિવરી થઇ હતી. ગાયનેક ડૉ.રાજન ચૌહાણ દ્વારા મહિલાને પ્રસુતિ કરવામાં આવી હતી તે સમયે બાળકીના હાથનું હાંડકું તૂટી ગયું હતું. બાળકીના તૂટી ગયેલા હાંડકાનું તરત જ હોસ્પિટલનાં ઓર્થોપેડીક સર્જન દ્વારા પ્લાસ્ટર મારી દેવામાં આવ્યું હતું. એકસ-રે અંગે ડોકટરે જણાવ્યું હતું કે, નવજાત બાળકને એકસ-રે પાડવાનું નુકસાનકારક હોવાથી એકસ-રે પાડવાની ના પાડવામાં આવી હતી. આથી તેઓએ બાળકીનો ખાનગી સંસ્થામાં એકસ-રે પડાવ્યો હતો. જેમાં તે હાંડકું સંધાયું ન હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ તબીબી ભાષામાં આ સામાન્ય બાબત છે. સમય જતાં બાળકીનો હાથ સામાન્ય થઇ જશે.