(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
શહેરના સગરામપુરા વિસ્તારની દેસાઈ શેરીમાં શિવરત્ન એપાર્ટમેન્ટમાં રહેતો વોલીબોલ નેશનલ ખેલાડી રોમિત બુનકી ગત રાત્રે તાવની સામાન્ય બિમારી સાથે મહાવીર હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેને સવારે તબીબો દ્વારા મૃત ઘોષિત કરાતા પરિવારજનો દ્વારા શંકાસ્પદ મોત અંગે તબીબો પર આક્ષેપ કરાયો હતો.ઉપરાંત મૃતકના પરિવારજનોએ હોસ્પિટલને માથે લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સગરામપુરાની શિવરત્ન એપાર્ટમેન્ટમાં રહેતો ૨૬ વર્ષિય રોમિત જયેશ બુનકીને તાવની અસર રહેતા ગત રાત્રે મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તબીબોએ રોમિતને એન્ટીબાયોટિકનું ઈન્જેકશન મૂકાવ્યું હતું. ત્યારબાદ તબીબો દ્વારા રોમિતને રાત્રે ૧ વાગે આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા તાવની બીમારીમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવા અંગે શંકા વ્યકત કરતા તબીબો દ્વારા જણાવવામાં આવ્યું કે, રોમિતને તકલીફ થાય છે આઈસીયુમાં આરામ મળશે તે દરમિયાન આજે સવારે તબીબો દ્વારા રોમિતનું મોત નીપજ્યું હોવાનું જણાવાયું હતું.જેથી તેના પરિવારના સભ્યોએ કારણ પૂછતા ડોક્ટરોએ જણાવ્યું કે,તેને હાર્ટ પ્રોબ્લેમ હતું. રોમિત બુનકી નેશનલ લેવલનો ખેલાડી હતો.
હાલમાં ગોધરા ખાતે ગત તા.૧૭મી મેની રોજ કેમ્પમાં ગયો હતો. સ્પોર્ટપર્સન હોવાથી તે ફિટનેશનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. તેનું હાર્ટના લીધે મોત થયું હોવાની વાત પરિવારજનોના ગળે ઉતરતી ન હતી લાશને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવતા પરિવારના સભ્યો દ્વારા મહાવીરના તબીબોનું બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. રોમિતનું ફોરેન્સિક પીએમ કરવાની માગ કરવામાં આવી છે. સિવિલના તબીબો દ્વારા મહાવીર હોસ્પિટલમાંથી રોમિતની ફાઈલ મંગાવી છે. ફાઈલ્‌ આવ્યા બાદ ફોરેન્સિક પી.એમ. થશે રોમિતના મિત્રો અને સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતને ભેગા થઈ મહાવીર હોસ્પિટલની બેદરકારી અંગે આક્ષેપ વ્યકત કર્યો હતો.