(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
શહેરના લિંબાયત વિસ્તારના ગોડાદરામાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી કરપીણ હત્યા કરનાર હત્યારો જ્યાં સુધી પોલીસની પકડમાં આવે નહીં ત્યાં સુધી પરિવારજનોએ બાળકીનો મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો દ્વારા ધરણા યોજી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોડાદરા વિસ્તારમાં એક દંપતિની બે પુત્રીઓ અને ચાર મહિનાનો પુત્ર સાથે પરિવાર રહેતો હતો. ગત રવિવારે રાત્રે આઠેક વાગ્યાના આસરામાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી ઘર સામે રમતી હતી, જે ઘરે પરત ન ફરતા રાત્રે ૧૧ વાગે તેણીના ગુમ થવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાવવામાં આવી હતી. સોમવારે લિંબાયત પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એસઓજી સહિત ૧૦ ટીમો બનાવીને બાળકીની સઘન શોધખોળ હાથ ધરી હતી. સોમવારે સાંજે ૪ વાગે બાળકી જે રૂમમાં રહેતી હતી તેના નીચેના બંધ રૂમનો દરવાજા તોડીને જોતા અંદરથી માસૂમ બાળકીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ મકાનમાં રહેતો અનિલ યાદવ રૂમ બંધ કરી નાસી છૂટયો હતો. લીંબાયત પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ સ્મીમેર હોસ્પિટલમાં કરાવ્યુ છે. આજે સવારે માસૂમ બાળકીના માતા-પિતા પરિવારના સભ્યો સંબંધીઓ પાડોશીઓ અને સમાજના આગેવાન સ્મીમેર હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા.સ્મીમેર હોસ્પિટલ ખાતે સમાજના અગ્રણી સુરેશ સોનવણે, કૃણાલ સોનવણે, મોતીલાલભાઈ, ભાનુભાઈનાઓ સાથે સમાજના લોકોએ અને બાળકીના માતા-પિતા દ્વારા જ્યાં સુધી આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.