(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
શહેરના માંડવી-ગેંડીગેટ રોડ ઉપર આવેલી ચિત્તેખાનની ગલી પાસે ફકરી મોહોલ્લા ૫૦ વર્ષ જુનું ત્રણમાળનું જર્જરીત મકાન શુક્રવારની મધરાત્રે ધડાકાભેર ધરાશયી થઈ ગયું હતું. આ ઘટનામાં નિંદ્રાધિન ૫ વ્યક્તિઓ દબાયા હતા. જેમાં પરિવારના મોભીનું મોત નીપજ્યું હતું. જ્યારે ૯ માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો. ત્રણ ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પ્રાપ્ત થતી વિગત અનુસાર, ચિત્તેખાનની ગલીમાં ત્રણ મજલી મકાનમાં પરિવાર સાથે રહેતા બદરૂદ્દીન કૂવાવાલાનું મકાન શુક્રવારે રાત્રે ૨.૩૦ વાગ્યાના સુમારે તૂટી પડ્યું હતું. જેમાં નિંદ્રાધિન ઘરના મોભી બદરૂદ્દીન કૂવાવાલા (ઉં.વ.૫૮), જહેરાબાનું (ઉં.વ.૪૬), સમીરાબાનું (ઉં.વ.૨૭), સમીનાબાનું (ઉં.વ.૧૮) અને ૯ માસની ઝોયા કાટમાળ નીચે દબાઇ ગયા હતા. મકાન ધડાકા સાથે તૂટતાની સાથેજ ચિત્તેખાન ગલીના નિંદ્રાધિન લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા હતા. અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સાથે સ્નાનિક લોકોએ ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં મકાનના કાટમાળ નીચે દબાયેલા પરિવારજનોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ત્રણ મહિલાઓ જહેરાબાનું, સમીરાબાનું અને સમીનાબાનુંને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તુરતજ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, ત્રણ મજલી મકાન જમીનદોસ્ત થઇ ગયું હોવાથી ફાયર બ્રિગેડે વધુ બે ટીમ સ્થળ પર બોલાવી લીધી હતી. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના ૪૫ લાશ્કરો દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું. ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, આ કામગીરી કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચે દબાયેલા પરિવારની માહિતી મેળવી હતી. આ માહિતી મેળવવા માટે એકોસ્ટીક ડીવાઇસ અને થર્મલ ઇમેજિંગ કેમેરાની મદદ લીધી હતી. માહિતી મેળવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા મકાન માલિક બદરૂદ્દીન કૂવાવાલા અને ૯ માસની બાળકી ઝોયાને બહાર કાઢ્યા હતા. અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં બદરૂદ્દીનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનામાં ૯ માસની ઝોયાનો આબાદ બચાવ થયો હતો. પરિવારની ૩ મહિલાઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ રેસ્ક્યુમાં વીજ કંપની, કોર્પોરેશનની ગેસ વિભાગની ટીમ, ૨ જે.સી.બી., ૨ ડમ્પર તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં વ્યવસ્થા જાળવવા માટે સીટી પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. સ્થાનિક લોકોમાંથી મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં મોતને ભેટેલા બદરૂદ્દીન પરિવારનો મોભી હતો. તેઓ તેઓના મકાનની નીચે ગ્રાઉન્ડ ફ્‌લોરમાં આવેલી ફર્નિચરની દુકાનમાં નોકરી કરતા હતા. અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના મોભીનું મોત નીપજતાં વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. જાણવા મળ્યા મુજબ રાત્રે ૧ કલાકે ચિત્તેખાન ગલીમાંથી ડી.જે. પસાર થયું હતું. કાન ફાડી નાંખે તેવા અવાજ સાથે પસાર થયેલા ડી.જે.ના કારણે બદરૂદ્દીન કૂવાવાલાના જર્જરીત મકાનના કાંકરા ખર્યા હતા. પરંતુ, પરિવારે આ બાબતે બહુ ધ્યાન આપ્યું ન હતું. અને સૂઇ ગયા હતા. પરંતુ, રાત્રે ૨.૩૦ વાગ્યાના સુમારે તેઓનું મકાન ધરાશયી થઇ ગયું હતું. આ મકાન તૂટી પડતા તેની આજુ-બાજુમાં આવેલા બે જર્જરીત મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા.