(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
રાજ્યમાં મોલ-મલ્ટિપ્લેક્ષના સંચાલકો હવે ર્પાકિંગ ચાર્જ વસૂલી નહીં શકે તેવો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જો કે, સુરતમાં આવેલા વીઆર મોલમાં ગુરૂવારે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતા લોકોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી મોલ સંચાલકો દ્વારા તાત્કાલિક પગલાં લઈને પાર્કિંગ ફ્રી કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં મોલ-મલ્ટિપ્લેક્ષના સંચાલકો હવે પાર્કિંગ ચાર્જ વસૂલી નહીં શકે તેવો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ-મલ્ટિપ્લેક્ષ સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. દરમિયાન ગુરૂવારે સુરતના વીઆર મોલમાં હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું લોકોના ધ્યાને આવ્યું હતું, સવારે મોલમાં પહોંચેલા લોકોને પાર્કિંગ માટે ચાર્જ લેવામાં આવ્યો હતો. જેથી લોકોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. ત્યારબાદ લોકોએ મોલ સંચાલકોને જાણ કરી હતી. જો કે, મોલ સંચાલકોએ હાઈકોર્ટના આદેશ અંગે અજાણ હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો. ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી ઉમરા પોલીસ મોલ ખાતે પહોંચી હતી. ત્યારબાદ મોલ સંચાલકોએ તાત્કાલિક પગલાં લઈને પાર્કિંગ ફ્રી કરી દીધું હતું.