(એજન્સી) તા.૧૪
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે તેમના દેશ વિરુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક રણનીતિ દર્શાવે છે કે અમેરિકા પરમાણુ કરારના વિરોધમાં એકલો પડી ગયો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં લાંબા સમયથી ભાષણમાં ર૦૧પના જેસીપીઓએ કરારની આકરી ટીકા કરી છે અને તેને આપેલો ટેકો પાછો ખેંચી તેનો નિર્ણય હવે કોંગ્રેસને હવાલે કરી દીધો છે. રૂહાનીએ આ મામલે કહ્યું કે આજે અમેરિકા પરમાણુ કરારના પોતાના વિરોધ અને ઇરાની લોકો વિરુદ્ધ તેમના ઉદ્દેશ્યોમાં સૌથી વધુ અલગ અને એકલો પડી ગયો છે. તેમણે કહ્યું કે આજે જે પણ અમારા પર આરોપો લગાવાયા છે તે તદ્દન પાયાવિહોણા છે. ઇરાન તમારાથી કોઇ આશા રાખતો નથી. રૂહાનીએ કહ્યું કે અમે અમેરિકાની આ ધમકીઓ ફગાવીએ છીએ. ટ્રમ્પે પણ ધમકી આપી છે કે જો કોંગ્રેસ ઇરાન પર નવા આકરા પ્રતિબંધો નહીં લાદે તો તે કરાર રદ કરી નાખશે. ઇરાની રાષ્ટ્રપતિને વધુમાં પ્રહારો કરતાં કહ્યું કે લાગે છે કે ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કાયદો વાંચ્યો નથી. રૂહાનીએ ૧૯પ૩માં સત્તાપલટામાં સીઆઇએની સંડોવણી હોવાની વાત પણ કહી. જેમાં ઇરાનની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને હટાવી દેવામાં આવી હતી. તેમણે વિયેતનામથી લઇને અફઘાનિસ્તાન અને ઇરાનમાં યુદ્ધમાં અમેરિકાના સામેલ હોવાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. આ દરમિયાન રૂહાનીએ અમેરિકી જહાજ દ્વારા ઇરાનના વિમાનને ગોળી મારી ઢાળી દેવાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ર૯૦ લોકોનાં મોત થયા હતા. ટ્રમ્પે ઇરાનના રેવોલ્યુશનરી ગાડ્‌ર્સ અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમો પર આકરા પ્રતિબંધો લાદવાની માગણી કરી છે અને કહ્યું કે જો કોંગ્રેસ આવું નહીં કરે તો તે કરાર રદ કરી નાખશે. હાલ તે આ કરાર પરથી પાછીપાની કરી રહ્યા છે જેનાથી પરમાણુ કરારને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવી શકે છે.