અમદાવાદ, તા.૨૬
રાજય ભરના મોટાભાગના વિસ્તારોમાં આજે ભીષણ ગરમીનો અનુભવ ફરી એકવાર થયો હતો. આગઝરતી ગરમીના કારણે આજે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અંગ દઝાડતી અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૫.૩ ડિગ્રી ઉપર પહોંચ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ પારો ૪પ ડીગ્રીથી ઉપર પહોંચ્યો હતો. આજે રાજ્યના જે વિસ્તારમાં પારો ૪૪થી પણ ઉપર પહોંચી ગયો હતો તેમાં ડીસામાં ૪૪.ર, ગાંધીનગરમાં ૪૪, અમરેલીમાં ૪૪.૩ સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૫ ડિગ્રી નોંધાયું હતું. હીટવેવની ચેતવણી આગામી બે દિવસ માટે જારી કરવામાં આવ્યા બાદ તંત્ર સાબદુ થઈ ગયું છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ માટે હિટવેવને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે. તીવ્ર હિટવેવ કચ્છના જુદા જુદા ભાગોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આગામી ચાર દિવસ માટે હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અનેક શહેરોના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. વધતી જતી ગરમીના કારણે લોકો હવે વધુમાં વધુ સાવધાન થયા છે અને બપોરના ગાળામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
રાજ્યભરમાં આગામી બે દિવસ હીટવેવ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે જોતા તાપમાનનો પારો ૪૨થી ૪૪ ડિગ્રીની નજીક રહે તેવી સંભાવના છે. જો કે, આજની ગરમીએ તો લોકોને રીતસરના ભઠ્ઠીમાં શેકાયાનો અનુભવ કરાવ્યો હતો ત્યારે હવે લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે ચોમાસુ પણ વહેલું અને ભરપૂર રહે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે, હાલ તો કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે તે સિવાય કોઈ વિકલ્પ નથી.

ક્યાં કેટલું તાપમાન ?
સ્થળ મહત્તમ તાપમાન
કંડલા એરપોર્ટ ૪૫.૩
સુરેન્દ્રનગર ૪૫.૦
અમરેલી ૪૪.૩
ડીસા ૪૪.૨
ગાંધીનગર ૪૪.૦
અમદાવાદ ૪૩.૫
રાજકોટ ૪૩.૩
આણંદ ૪૩.૧
વડોદરા ૪૩.૦
ભૂજ ૪૨.૩
મહુવા ૪૧.૪
ભાવનગર ૪૧.૩