(એજન્સી) તા.૧
બોલિવુડ સુપર સ્ટાર આમીરખાને આસામ સરકારને પૂર રાહત કામગીરી માટે રૂા.૨૫ લાખનું દાન આપ્યું છે. આસામમાં આવેલા ઘોડાપૂરમાં અત્યાર સુધીમાં ૮૦ લોકોનાં મેાત થયા છે અને અનેક લોકો ઘરવિહોણા બની ગયા છે. આસામના મુખ્યપ્રધાન સરબાનંદ સોનોવાલે એક જવાબદાર નાગરિક તરીકે તેમની આ ઉમદા ચેષ્ટા બદલ ટ્‌વીટર પર આમીરખાનનો આભાર માન્યો છે. દેશના વિવિધ સામાજિક મુદ્દા પર ચિંતા વ્યક્ત કરનાર આમીરખાને તાજેતરમાં ટ્‌વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને આસામ અને ગુજરાતમાં પૂરગ્રસ્તોની સહાયએ આવવા અપીલ કરી હતી.
૫૨ વર્ષના ‘દંગલ’ ફેઇમ અભિનેતા આમીરખાને જણાવ્યું હતું કે મિત્રો, આસામ અને ગુજરાતના અનેક વિસ્તારો ભારે પૂરના કારણે પ્રભાવિત થયા છે અને આપણા ભાઇઓ અને બહેનો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ભારે નાણાકીય નુકસાન થયંુ છે. કુદરત સામે આપણે લાચાર છીએ પરંતુ કમસેકમ ત્યાં રહેતા લોકોને આપણે મદદ કરી શકીએ. આમીરખાને પોતાના ચાહકોને મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં યોગદાન આપીને આસામ અને ગુજરાતના લોકોને મદદ કરવા અપીલ કરી હતી. કેન્દ્રએ પણ તાજેતરમાં વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના સ્વજનને રૂા.૨ લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂા.૫૦૦૦૦ની જાહેરાત આસામ માટે કરી હતી.