(એજન્સી) ભોપાલ,તા.૧૫
મધ્યપ્રદેશમાં આંતરવિગ્રહ અને અસંતોષ સામે લડત લડી રહી ભારતીય જનતા પાર્ટીએ ૫૩ બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી બહાર ખસેડ્યા છે. ભાજપે પાર્ટી ઉમેદવારો વિરૂદ્ધ ચૂંટણી લડનાર બળવાખોર નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. પાર્ટીમાંથી બરતરફ કરવાની કાર્યવાહીનો પત્ર સંબંધિત જિલ્લાના જિલ્લા અધ્યક્ષ દ્વારા જારી કરવામાં આવશે.
પાર્ટીથી બહાર કરવામાં આવેલા નેતાઓમાં સરતાજ, રામકૃષ્ણ કુષ્મારિયા, નરેન્દ્ર કુશવાહ, સમીક્ષા ગુપ્તા, લતા મસ્કી, ધીરજ પટેરિયા, રાજકુમાર યાદવના નામ શામેલ છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ સરતાજસિંહ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયાના લગભગ થોડા કલાકો પછી જ પાર્ટીએ તેમને હોશંગાબાદ વિધાનસભા ક્ષેત્રથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
તે સમયે હાથનો સાથ મળવાથી ખુશ સરતાજસિંહે જણાવ્યું હતું કે, ‘હું કોંગ્રેસનો આભારી છું કે તેણે મને હોશંગાબાદ બેઠકથી ટિકિટ આપી છે. હું ૫૮ વર્ષ સુધી ભાજપમાં રહ્યો, પરંતુ તેમ છતાં ભાજપે મને આ વખતે પણ ટિકિટ આપી નથી. હું લોકોની વચ્ચે રહીને સેવા કરવા માંગું છું, તેથી ચૂંટણી લડી રહ્યો છું.’