રાયપુર, તા.૧૭
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના કટોરા તળાવ સ્થિત આવેલા બંગલામાં શુક્રવારે રાત્રે પાર્ટીના કોષાધ્યક્ષ ગજરાજ પગારિયા અને ભિલાઇના નેતા વિજય નિજામનની વચ્ચે કોઇ વાતને લઇને ભારે હંગામો થયો હતો. જોત જોતામાં આ હંગામો મારપીટમાં ફેરવાયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે બન્ને નેતાઓમાં પહેલાના કોઇ જૂની વાતને લઇને ચર્ચા શરૂ થઇ હતી અને એક બીજા ગંભીર આક્ષેપો લગાવવા લાગ્યા હતા, પરંત થોડીવારમાં વાત એટલી હદ સુધી વધી ગઇ કે બન્ને નેતાઓ અંદરો અંદર જ ઝઘડવા લાગ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં મોડી સાંજે ફરિયાદ નોંધાઇ હતી.
તમને જણાવી દઇએ કે, બન્ને જણા વચ્ચે થયેલી મારપીટમાં અનેક ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ બન્ને બાગી નેતાઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના મતે, વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા શુક્રવારે જેસીસી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના કટોરા તળાવ સ્થિત આવેલા સાગૌન બંગલામાં પાર્ટી પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠક દરમિયાન અજીત જોગી અને અમિત જોગી બંને જણાં બંગલામાં જ હતા, પરંતુ બેઠકમાં હાજર નહોતા. તે દરમિયાન કોઇ વાતને લઇને વિજય નિજામન અને ગજરાજ પગારિયા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને નેતાઓની વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી.
પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. જો કે, અત્યાર સુધી બન્ને નેતાઓમાંથી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. જ્યારે પાર્ટીના બે દિગ્ગજ નેતાઓના ઝઘડા પછી જોગી બંગલાનો માહોલ ઘણો તણાવપૂર્ણ બન્યો છે.