અમદાવાદ, તા.ર૮
એમબીબીએસમાં ૧પ વિદ્યાર્થીઓને નિયમ વિરૂદ્ધ જઈ પ્રવેશ આપવા બદલ વડોદરાની બહુચર્ચિત અને વિવાદાસ્પદ પારૂલ યુનિવર્સિટીને હાઈકોર્ટે રૂા. અઢી કરોડનો દંડ ફટકારતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરાની પારૂલ યુનિવર્સિટીએ એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં ૧૫ વિદ્યાર્થીઓને એડમિશન કમિટીની મંજૂરી વિના પ્રવેશ આપતા આ પ્રવેશ રદ થયા હતા અને મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટે આ વિદ્યાર્થીનો પ્રવેશ તો નિયત કર્યો છે પરંતુ યુનિવર્સિટીને રૂપિયા અઢી કરોડનો દંડ ફટકાર્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં પારૂલ યુનિવર્સિટીમાં તબીબી અભ્યાસક્રમ એમ.બી.બી.એસ. માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રક્રિયાના ભાગરૂપે દરેક કોલેજ અને યુનિવર્સિટીએ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસની દેખરેખ અને મંજૂરી હેઠળ પ્રવેશ આપવાના રહે છે. પરંતુ યુનિવર્સિટીએ એડમિશન કમિટીને જાણ કર્યા વગર અને તેની મંજૂરી વગર ૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દીધા હતા. જેથી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ પ્રવેશ રદ કર્યા હતા. પ્રવેશ રદ થતા યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં સિંગલ જજ સમક્ષ પિટિશન કરી હતી અને સિંગલ જજે પિટિશન ફગાવી હતી. જેથી યુનિવર્સિટીએ ડિવીઝન બેન્ચમાં લેટર્સ પેટન્ટ અપીલ ફાઇલ કરી હતી. જેમાં યુનિવર્સિટીની રજૂઆત હતી કે, વિદ્યાર્થીઓના અભ્યાસના બે વર્ષ વીતી ચૂક્યા હોવાથી તેમનો પ્રવેશ નિયત કરવામાં આવે. હાઇકોર્ટે આ વિદ્યાર્થીઓને પ્રવેશ તો નિયત કર્યો છે પરંતુ એડમિશન કમિટીની મંજૂરી વગર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવા બદલ પારૂલ યુનિવર્સિટીને રૂપિયા અઢી કરોડનો દંડ ફકાર્યો છે.
વડોદરાની પારૂલ યુનિ.ને રૂા.ર.પ કરોડનો દંડ ફટકારાયો

Recent Comments