(એજન્સી) નવી દિલ્હી,તા.પ
સુપ્રીમ કોર્ટે ઈલ્તિજા જાવેદને એમની માતા મહેબૂબા મુફતી સાથે મળવાની પરવાનગી આપી છે. કોર્ટે કહ્યું કે મહેબૂબા મુફતીની પુત્રી પોતાની માતા સાથે એકાંત રીતે મળી શકે છે. એ એના માટેની તારીખ પણ પોતે જ નિર્ધારીત કરી શકે છે.
ઈલ્તિજાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં એમણે માતા સાથે મળવાની માંગણી કરી હતી. એમણે અરજીમાં કહ્યું હતું કે અધિકારીઓને નિર્દેશો આપવામાં આવે જેથી એ પોતાની માતા સાથે મળી શકે. એમણે કહ્યું કે એ પોતાની માતાના સ્વાસ્થ્ય બદલ ચિંતિત છે કારણ કે એક મહિનાથી એ માતા સાથે મળી નથી. ઈલ્તિજાની અરજી સીજેઆઈ રંજન ગોગોઈ અને જજ એસ.એ. બોબડે અને જજ એસ.એ. નઝીર સમક્ષ મુકાઈ હતી. નોંધનીય છે કે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી મહેબૂબા મુફતી અને ઓમર અબ્દુલ્લાહ સમેત કેટલાક નેતાઓની ધરપકડ કરાઈ હતી. હજુ સુધી કોઈને મુકત કરવામાં નથી આવ્યા. આ પહેલા મહેબૂબાની પુત્રીએ એક ઓડિયો મેસેજ જારી કરી કહ્યું હતું મારી પણ અટકાયત કરાઈ છે અને ધમકી અપાઈ છે કે જો મેં મીડિયા સાથે વાત કરી તો પરિણામ ભોગવવા પડશે. ઈલ્તિજાએ કહ્યું હતું કે મારી સાથે અપરાધી તરીકે વર્તન કરવામાં આવી રહ્યું છે અને સતત મારા ઉપર નિગરાની રખાઈ રહી છે. અવાજ ઉઠાવનાર કાશ્મીરીઓ સાથે હું પણ જીવના જોખમનો અનુભવ કરી રહી છું. કારણ કે મેં મીડિયા સાથે પહેલા વાત કરી હતી અને જણાવ્યું હતું કે ખીણમાં કરફયુ લાગુ કરાયા પછી કાશ્મીરીઓને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.