(એજન્સી) તા.૧૧
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ર૩ રાજકીય પક્ષોના મહાગઠબંધનની જાહેરાત કરી છે એમ મીડિયાએ જણાવ્યું હતું.
પાકિસ્તાન અવામી ઈત્તેહાદ (પીએઆઈ) નામની સૌથી મોટી પાર્ટીનું નેતૃત્વ ૭૪ વર્ષીય પરવેઝ મુશર્રફ કરશે. જ્યારે પાર્ટીના સેક્રેટરી જનરલ તરીકે ઈકબાલ દારની વરણી કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે જણાવ્યું કે પ્રવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા તમામ પક્ષોએ એકજૂથ થવું જોઈએ. તેમણે નવી રાજકીય પાર્ટીમાં મુત્તાહિદા કોમી મુવમેન્ટ (એમક્યુએમ) અને ધ પાક સરજમીન પાર્ટીને જોડાવવા આહ્વાન કર્યું. જોડાણની પ્રક્રિયા વિશે તેમણે જણાવ્યું કે તમામ સભ્ય પાર્ટીઓ એક મથાળા હેઠળ સાથે મળીને લડશે મુશર્રફે એ અફવાઓને નકારી કાઢી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ મુત્તાહિદ કોમી મુવમેન્ટમાં જોડાઈ શકે છે. મુશર્રફ એના પર કહ્યું કે એવું વિચારવું પણ હાસ્યાસ્પદ છે કે તેઓ એક નાની જાતીય પાર્ટીનું નેતૃત્વ કરશે.
પૂર્વ રાષ્ટ્રપતિએ પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પર આરોપ લગાવ્યો કે ઈમરાન ફકત પોતાની પાર્ટી વિશે વિચારે છે. તેમણે ઈમરાન ખાનને સલાહ આપી કે પાકિસ્તાનને આગળ વધારનાર પક્ષનો સાથ આપે. મુશર્રફે કહ્યું કે, તેઓ એમના ઉપર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોનો સામનો કરવા તૈયાર છે કેમ કે હવે અદાલતો નવાઝ શરીફના નિયંત્રણ હેઠળ નથી.