વાગરા,તા.૫
સમગ્ર વિશ્વ જૂન મહિનાની ૫મી તારીખ દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવે છે. આ વર્ષ ૨૦૧૮ ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે ભારત દેશ યજમાન દેશ છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં જીપીસીબી ભરૂચ કચેરી, કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને માવતર ટ્રસ્ટ વહિયાલના સહિયારા પ્રયત્નોથી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત કલર ટેક્સ કંપનીના પરિસરમાં મોટી સંખ્યામાં વૃક્ષો રોપી કરવામાં આવી હતી. જેમાં વિલાયત, ભેરસમ, અરગામા, વોરાસમની, સલાદરા, દેરોલ, સાયખા તથા વહિયાલના ગ્રામજનો અને જીપીસીબી ભરૂચના એન્જિનિયર વી.કે.પટેલ, એલ.એમ. આહિર, રાણાભાઇ તથા કલર ટેક્સના કર્મચારીઓ દ્વારા ૨૦૦થી વધુ વૃક્ષોવાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉદબોધન કરતા જીપીસીબીના વી.કે.પટેલે ગ્રામજનો, માવતર ટ્રસ્ટ અને કલર ટેક્સ કંપનીના પ્રયાસને બિરદાવ્યો હતો. અને જીપીસીબીના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ પ્રસંગે અરગામાંના સરપંચ ઐયુબભાઇ અને વિલાયતના મિનેશભાઈ પટેલ, સાયખાના જયવીરસિંહ રાજ અને વહિયાલના આગેવાન દિપકસિંહ દ્વારા પોતાના ગામમાં સૌથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. વધુમાં આ પ્રસંગે ભારતીય કિશાન સંઘના જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉદ્યોગ, સરકારી સંસ્થા તથા ખેડૂતો અને સામાજિક સંસ્થાઓના પરસ્પર સહયોગ અને સંવાદ પર ભાર મૂકી સર્વાંગી પર્યાવરણ પ્રદુષણ મુક્ત વાતાવરણ બનાવવા પર ભાર મુક્યો હતો.