(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૬
ધોળકા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત આજે પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. તા.પ-૬-૧૮થી તા.૧૧-૬-૧૮ સુધી આ સપ્તાહ ઉજવાશે. આ પ્રસંગે એક જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકા નગરપાલિકા પ્રમુખ ભારતીબેન રાણા અને પ્રાંત અધિકારી ધવલ જાનીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પર્યાવરણ જાગૃતિ રેલીમાં બેનરો સાથે નગરજનો ઉપરાંત નગરપાલિકાના મ્યુ.સભ્યો, મ્યુ. કર્મીઓ, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીનો સ્ટાફ, આંગણવાડી વર્કરો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી સ્વામીનારાયણ મંદિર રોડ, ગુલિયારા મસ્જિદ, પીરાનપીરના છિલ્લા, ટાવર બજારથી જૂની નગરપાલિકા કચેરીએ પહોંચી સભાના રૂપમાં ફેરવાઈ હતી. જ્યાં પ્રાંત અધિકારી ધવલ જાનીએ પર્યાવરણની જાળવણીના શપથ લેવડાવ્યા. શિક્ષણ મંત્રીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ધોળકા પોલીસ મથકના પીએસઆઈ ડી.વી. હડાત તથા જી.એમ. પાવરા અને સ્ટાફે પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.