(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૪
ગુજરાતની ભાજપ સરકાર વિકાસની મોટી વાતો કરે છે અને પશુઓની સંવેદના વારેઘડીએ વ્યક્ત કરતી રહી છે ત્યારે રાજ્યના અબોલ પશુઓની દેખભાળ-સારવાર માટે અત્યંત આવશ્યક એવા પશુચિકિત્સકોની વર્ષોથી ખાલી જગ્યા રહેતી હોવાની બૂમ જારી રહેવા પામી છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સંખ્યાબંધ સરકારી ખાલી જગ્યાઓની ફરિયાદોમાં પશુ ચિકિત્સકોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-ર અને નિરીક્ષક વર્ગ-૩ની હજુ ૧૧ર૧ જગ્યાઓ ખાલી હોવાનું સરકારી દફતરેથી જ બહાર આવતા સાચી સ્થિતિનો ખ્યાલ આવે છે. રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં અને માલધારીઓ કરતા હોય છે અને ગામડાઓમાં પશુઓ માંદા પડે કે તેમની દેખભાળ માટે પશુ દવાખાને જવાય તો ત્યાં ચિકિત્સક જ ન હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. રાજ્યમાં અબોલ પશુઓની સારવાર દેખભાળની ચિંતા સરકાર કેટલી કરે છે તે સરકારી દફતરેથી રજૂ થયેલા આંકડા પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ જિલ્લાઓમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૩ અને પશુધન નિરીક્ષક વર્ગ-૩ની ખાલી જગ્યા ભરાતી ન હોઈ તે અંગેની ચિંતા વ્યક્ત કરતા પ્રશ્નો પૂછતા સરકારના પશુપાલન મંત્રીએ આપેલ જવાબમાં રાજ્યની પશુપાલન ક્ષેત્રની સ્થિતિનો ખરી સ્થિતિ જાણવા મળી છે. રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-રની ર૬૦ જગ્યા અને પશુધન નિરીક્ષકની ૮૬૧ મળી કુલ ૧૧ર૧ જગ્યાઓ હજુ ખાલી રહેલ છે. આના ઉપરથી કલ્પના કરવી રહી છે. જિલ્લાઓમાં પશુઓના ઉપચાર-દેખભાળની શું સ્થિતિ હશે. જેમાં સૌથી વધુ કચ્છ જેવા જિલ્લામાં કે જ્યાં સૌથી વધુ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ માલધારીઓ છે ત્યાં જ પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-રની રપ જગ્યા ખાલી છે. તો નિરીક્ષકની પણ ત્યાં ૭૬ જગ્યા ખાલી છે. જ્યારે પશુધન નિરીક્ષકની ખાલી જગ્યાની બાબતમાં સૌથી વધુ ભરૂચ જિલ્લામાં ૮પ જગ્યા ખાલી છે. અમેરલી જિલ્લામાં બીજા ક્રમની વર્ગ-રની ૧૮ અને નિરીક્ષકની ૬૯ જગ્યા ખાલી છે. મંત્રીના જવાબમાં જણાવ્યા અનુસાર ડિસેમ્બર ર૦૧૭એ રાજ્યમાં પશુ ચિકિત્સા વર્ગ-રની ૩૭ર જગ્યાઓ ખાલી હતી તે પછી સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાતા અંતે ૧૪૪ જગ્યાઓ ભરવામાં આવી હતી. તે પછી ર૮૮ જગ્યા ખાલી રહી હતી અંતે ચાલુ વર્ષે મે સુધીમાં વધુ જગ્યા ભરાતા હજી ર૬૦ જગ્યા ખાલી રહેલ છે.