(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
શહેરના આજવા રોડ વિસ્તારમાં રસ્તા રખડતી ગાયો પકડવા ગયેલી પાલિકાની ઢોર પાર્ટી ઉપર પશુપાલકોએ હુમલો કરી ઢોર ડબ્બામાં પૂરેલી ગાયો છોડાવીને ફરાર થઇ ગયા હતા. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા લીમડા પોળ પશુપાલકો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના આજવા રોડ પર વધી ગયેલા ગાયોના ત્રાસને પગલે મહાનગરપાલિકાની ઢોર પાર્ટી એસ.આર.પી., પોલીસ સાથે આજે આજવા રોડ વિસ્તારમાં ગાયો પકડવા ગઇ હતી. ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે ઢોરપાર્ટી ગાયોને પકડીને ઢોર ડબ્બામાં પૂરી રહી હતી. તે સમયે ૧૦ જેટલા ભરવાડો હાકોટા પાડતા લાકડીઓ, ગોફણો સાથે મોટરસાઇકલો ઉપર ધસી આવ્યા હતા અને ઢોર ડબ્બામાં પૂરેલી ગાયોને છોડાવા માટે ઢોર પાર્ટી ઉપર હુમલો કર્યો હતો. પશુપાલકો દ્વારા હુમલો કરાતા ઢોર પાર્ટીના કર્મચારીઓ તેમજ રોડ પરથી પસાર થતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસ બંદોબસ્ત હોવા છતાં પશુપાલકો ઢોર પાર્ટીના કર્મચારીઓ ઉપર હુમલો કરી ઢોર ડબ્બામાં પૂરેલી ગાયો છોડાવી ફરાર થઇ ગયા હતા. ઢોર પાર્ટી ઉપર હુમલો કરનાર ૩ ભરવાડો સામે પાલિકા કર્મચારી મનુભાઇ જીવણભાઇ પરમારે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં રસ્તા ઉપર રખડતી ગાયોને કારણે વાહન અકસ્માતો વધે છે. છેલ્લાં ૧ વર્ષ દરમ્યાન રખડતી ગાયોને કારણે અકસ્માતમાં ૩ વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે ૧૦ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. માર્ગ વચ્ચે બેસી રહેતી ગાયો વાહન ચાલકો માટે અકસ્માત નોતરે છે. સરકાર અને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં માર્ગ અકસ્માતોમાં લોકોનાં જીવ બચે તે માટે હેલ્મેટ પહેરવા માટે ફરજ પાડી રહી છે. પરંતુ રખડતા ઢોરોમાંથી શહેરીજનોને મુકત કરવા કોઇ આયોજન કરવામાં આવતું નથી.