(સંવાદદાતા દ્વારા) આણંદ તા.૨૮
વલ્લભવિદ્યાનગર ખાતે સ્ટ્રાઈકર ગૃપ આયોજિત ગણેશ મહોત્સવમાં આરતી ઉતારવા માટે પાસના નેતા હાર્દિક પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હોઈ આજે સાંજનાં સુમારે હાર્દિક પટેલ પોતાના મિત્રો તેમજ પાસના કન્વીનર વરૂણ પટેલ સાથે વલ્લભવિદ્યાનગર જવા માટે આણંદની ચિખોદરા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમદાવાદની ક્રાઈમ બ્રાંચ પોલીસ, આણંદની એસઓજી અને આણંદ ગ્રામ્ય પોલીસે સિવિલ ડ્રેસમાં ચિખોદરા ચોકડી પાસે હાર્દિક પટેલની કારને આંતરીને હાર્દિક પટેલની અટકાયત કરી સીધો જ તેને પોલીસના વાહનમાં બેસાડીને અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. હાર્દિક પટેલની અટકાયત સમયે હાર્દિક પટેલની સાથે રહેલા પાસ કન્વીનર વરૂણ પટેલે પોલીસ દ્વારા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હોવાની વાતને અનુમોદન આપ્યું હતું, તેમજ પાટણ ખાતે તાજેતરમાં મહેસાણા પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલ સહિત ૧૦ જણા વિરૂદ્ધ નોંધાવેલી લૂંંટની ફરિયાદના ગુનામાં હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પાસના કન્વીનર વરૂણ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને તેઓ વલ્લભવિદ્યાનગર ખાતે ગણેશના દર્શન કરવા આવી રહ્યા હતા ત્યારે પોલીસે હાર્દિક પટેલની ચિખોદરા ચોકડી પાસેથી અટકાયત કરી હતી, અને આ સરકાર હાર્દિક પટેલ તેમજ પાટીદાર યુવાનો ગણેશના દર્શન પણ ના કરી શકે તે રીતે તેઓની અટકાયત કરી છે, તેમજ હાર્દિક પટેલ આણંદમાં આવીને પાટીદાર સમાજના યુવાનોને પોતાના હક માટે સમાજના હક માટે જાગૃત ન કરે તેમજ હાર્દિક પટેલ પોતાની તેમજ સમાજની વાત આણંદના યુવાનો સુધી પહોંચાડે નહી તે માટે બીન લોકશાહી રીતે આ અટકાયત કરવામાં આવી છે, તેમજ રાજકોટમાંથી પણ દિનેશભાઈ બાંભણીયાની અટકાયત કરવામાં આવી છે, અને હજુ રાત સુધી કેટલાય પાસ કન્વીનરોની અટકાયત કરવામાં આવશે, પરંતુ સરકારને જેટલી અટકાયતો કરવી હોય તે કરી લે જેટલું દમન ગુજારવું હોય એટલું ગુજારી લે પરંતુ અમે સમાજના હક માટે પાટીદાર યુવાનોના હક માટે લડતા રહીશું.