(એજન્સી) લખનઉ, તા. ૨૧
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હિન્દુ-મુસ્લિમ દંપતીએ પાસપોર્ટ અધિકારી સામે અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. જો કે, દંપતીની ફરિયાદ બાદ પાસપોર્ટ અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવી છે. મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેમની પત્ની તન્વી સેઠે ૨૦૦૭માં લગ્ન કર્યાં હતાં અને તેઓએ લખનઉમાં પાસપોર્ટ માટે અરજી કરી હતી. તન્વીનો આરોપ છે કે પાસપોર્ટ અધિકારીએ તેમને નામ બદલવાનું કહ્યું અને સિદ્દીકીને ધર્મ બદલવાનું પણ કહેવામાં આવ્યું. પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રાએ ચીસ પાડીને મને કહ્યું હતું કે મેં મુસ્લિમ સાથે લગ્ન કર્યાં હોવાથી મારો પાસપોર્ટ બની શકે નહીં. બંનેએ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ટ્‌વીટ અને ઇ-મેલ કરીને ફરિયાદ કરી હતી. વિવાદ પછી પાસપોર્ટ ઓફિસે તન્વીને પાસપોર્ટ આપી દીધો છે પાસપોર્ટ ઓફિસરે કહ્યું કે પાસપોર્ટ અને ધર્મનો કોઇ સંબંધ નથી. જે કંઇપણ થયું તેના માટે અમે માફી માગીએ છીએ.
તેમણેે કહ્યું કે પાસપોર્ટ ઓફિસરે તેમને અપમાનિત અને શર્મિંદા કર્યા છે અને તેમની સાથે અત્યંત ખરાબ અને ઉદ્ધતાઇભર્યો વ્યવહાર કર્યો છે. તેમની ૬ વર્ષની એક પુત્રી પણ છે. તન્વીએ કહ્યું કે નામ નહીં બદલવાનો તેમનો પારિવારિક મામલો છે અને આ બાબતે પાસપોર્ટ અધિકારી તેમને કશું કહી શકે નહીં. દંપતીએ ૧૯મી જૂને પાસપોર્ટ માટે અરજી કરી હતી અને ૨૦મી જૂને પાસપોર્ટ કાર્યાલયમાં એપોઇન્ટમેન્ટ લીધા પછી ગયા હતા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે દંપતીએ સ્ટેજ એ અને સ્ટેજ બી ક્લિયર કરી લીધું હતું. સી સ્ટેજમાં પૂછવામાં આવેલા પ્રશ્નો અંગે પરેશાની બહાર આવી. આ મામલામાં વિદેશ મંત્રાલયે લખનઉ પાસપોર્ટ ઓફિસ પાસે દંપતીને પરેશાન કરવા અંગે રિપોર્ટ માગ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી તન્વી સેઠને કરવામાં આવેલી ટ્‌વીટમાં કહેવામાં આવ્યું છે કે અસુવિધા માટે ખેદ છે. અમે લખનઉ પાસપોર્ટ ઓફિસ પાસે રિપોર્ટ માગ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

લખનઉના પાસપોર્ટ અધિકારીએ ધાર્મિક એંગલને રદિયો આપ્યો, કહ્યું – દસ્તાવેજોમાં તન્વીના બે નામ છે

અનસ સિદ્દીકી અને તન્વી સેઠને પરેશાન કરવાનો આરોપી પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રાએ તેમની સામે મુકાયેલા આરોપોનો જવાબ આપતા જણાવ્યું કે તેમણે નીતિ-નિયમો મુજબ કર્યું હતું. તન્વી સેઠ અને અનસ સિદ્દીકી હકીકતો છુપાવી રહ્યા છે. નિકાહનામામાં તન્વી સેઠનું નામ ‘શાદિયા અનસ’ છે. જોકે, તન્વી સેઠે તેનો ઇનકાર કર્યો હતો. મિશ્રાએ એવું પણ કહ્યું કે નામ બદલીને કોઇ વ્યક્તિ પાસપોર્ટ ન મેળવી લે, તેની ખાતરી કરવા માટે અમારે સંપૂર્ણ તપાસ કરવી પડે છે. મિશ્રાએ કહ્યું કે તેમણે કોઇ ગેરવર્તણૂંક કરી નથી અને ધર્મ અંગે પણ કોઇ ટિપ્પણી કરી નથી. મિશ્રાની ગોમતીનગર પાસપોર્ટ ઓફિસે તાકીદની અસરથી ટ્રાન્સફર કરાઇ છે અને તેમને લેખિતમાં માફી માગવાનું કહેવામાં આવ્યું છે.

પતિનું નામ વાંચતાની સાથે જ અધિકારીએ ચીસો પાડતાં તન્વી રડવા લાગી : અનસ

ન્યૂઝ ૧૮ સાથે વાત કરતા અનસ સિદ્દીકીએ જણાવ્યું કે મારા પહેલાં મારી પત્ની તન્વીનો વારો આવ્યો. તન્વી સી ફાઇવના કાઉન્ટર પર ગઇ તો વિકાસ મિશ્રા નામનો એક અધિકારી તેના દસ્તાવેજ ચેક કરવા લાગ્યો. જ્યારે અધિકારીએ પતિના નામવાળા કોલમમાં મોહમ્મદ અનસ સિદ્દીકી લખેલું જોતાની સાથે જ મારી પત્ની પર ચીસો પાડવા લાગ્યો. અધિકારીનું કહેવું હતું કે તન્વીએ મારી સાથે લગ્ન કરવા જોઇતા ન હતા. પાસપોર્ટ અધિકારીના ઉદ્ધતાઇ ભર્યા ખરાબ વર્તનને કારણે મારી પત્ની રડી રહી હતી. ત્યાર પછી અધિકારીએ તન્વીને બધા દસ્તાવેજમાં સુધારા કરીને ફરી આવે. પાસપોર્ટ ઓફિસના અન્ય કર્મચારીઓએ પણ આટલી જ કડકાઇથી આ દંપતી સાથે વાત કરી હતી. અનસે કહ્યું કે મારી પત્ની તન્વીએ અધિકારીને કહ્યું કે તે પોતાનું નામ બદલવા માગતી નથી, કારણ કે અમારા પરિવારને તેની સામે કોઇ વાંધો નથી. આ સાંભળીને પાસપોર્ટ અધિકારીએ તેને કહ્યું કે તે એપીઓ કાર્યાલય જતી રહી, કારણ કે તેની ફાઇલ એપીઓ કાર્યાલય મોકલવામાં આવી રહી છે. ત્યાર પછી પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રાએ મને બોલાવ્યો અને મારૂં અપમાન કરવા લાગ્યો. તેણે કહ્યું કે હું હિન્દુ ધર્મ અપનાવી લઉ, નહિંતર મારા લગ્ન સ્વીકારવામાં આવશે નહીં. વિકાસ મિશ્રાએ સલાહ આપી કે અમારે ફેરા લઇને લગ્ન કરવા જોઇએ અને ધર્મ બદલી નાખવો જોઇએ.

ધર્માંધતાનો સિક્કો : ઓવૈસીએ કહ્યું
‘કોમવાદી’ ભાજપે પાસપોર્ટ અધિકારીને હિન્દુ-મુસ્લિમના લગ્ન સામે પ્રશ્ન કરવાની હિંમત આપી

ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ લખનઉની પાસપોર્ટ ઓફિસ ખાતે હિન્દુ-મુસ્લિમ દંપતીની થયેલી ફજેતી માટે ભાજપને જવાબદાર ઠરાવ્યો છે. પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રાએ મોહમ્મદ અનસ સિદ્દીકી અને તન્વી સેઠને પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો છે. ઓવૈસીએ એવો દાવો કર્યો છે કે ભાજપ સત્તામાં આવ્યો છે ત્યારથી લઘુમતીઓ, મુસ્લિમો અને દલિતો સામે કોમવાદી ઝેર અને નફરત ફેલાવવામાં આવી છે. સ્થિતિ એટલી હદે બગડી ગઇ છે કે હવે સરકારી અધિકારીની એટલી હિંમત થઇ ગઇ છે કે તેઓ પુખ્ત વયના બે લોકોના લગ્ન સામે પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. રીજનલ પાસપોર્ટ ઓફિસે હિન્દુ-મુસ્લિમ દંપતીનું ભારે અપમાન કરવાના આરોપી અધિકારી વિકાસ મિશ્રાની ટ્રાન્સફર કરી દીધી છે અને આ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે. રીજનલ પાસપોર્ટ અધિકારી પીયુષ વર્માએ જણાવ્યું કે વિકાસ મિશ્રાને શો-કોઝ નોટિસ જારી કરાઇ છે અને તાકીદની અસરથી ટ્રાન્સફર કરી દેવાઇ છે તેમ જ વધુ પગલાં ભરવા માટે અમે વિદેશ મંત્રાલયને રિપોર્ટ પણ મોકલી દીધો છે. અધિકારી સામે જરૂરી પગલાં ભરવાની પણ તેમણે ખાતરી આપી છે.