(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
લગ્નના થોડાક જ સમયમાં પોતાની પત્નીઓને ત્યજી દેવાના છ કેસો પૈકી વિદેશ મંત્રાલયે પાંચ નોન રેસિડેન્સિયલ ઈન્ડિયન્સ (એનઆરઆઈ)ના પાસપોર્ટ રદ કર્યા હતા. અહેવાલ મુજબ, મહિલા અને બાળકલ્યાણ વિકાસ મંત્રાલયના સેક્રેટરીના નેતૃત્વમાં રચાયેલ ઈન્ટેગ્રેટેડ નોડલ એજન્સી (આઈએનએ) દ્વારા વિદેશ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાયો હતો કે એનઆરઆઈ લગ્ન વિવાદ કેસોમાં પાસપોર્ટ રદ કરવામાં આવે. આ નિર્ણય દ્વારા એનઆરઆઈ દુલ્હાને ફરજિયાતપણે ભારત પરત ફરી કાયદાનો સામનો કરવો પડશે. કેમ કે આ લોકો મંત્રાલયના સમન્સ બાદ ધરપકડથી બચવા ઈરાદાપૂર્વક ફરાર થઈ ગયા હતા. મહિલા બાળ કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એક અતિ મહત્ત્વનો નિર્ણય છે કેમ કે એનઆરઆઈ દુલ્હા દ્વારા પોતાની પત્નીઓને ત્યજી દેવાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. એનઆરઆઈ દૂલ્હા સામે છેતરપિંડી, ઘરેલું હિંસા, લગ્નેતર સંબંધ, છૂટાછેડાના કેસોમાં ઘણો વધારો થયો હતો.