(એજન્સી) તા.રપ
લખનૌમાં આંતરધર્મીય યુગલને પાસપોર્ટ વિવાદમાં મદદ કરવાને કારણે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ નિમ્ન સ્તરના ટ્રોલ્સનો સામનો કરી રહ્યાં છે. આમાંથી ઘણા ટ્રોલ્સ પોતાને નરેન્દ્ર મોદીના ચાહક અને સમર્થક ગણાવે છે. આ ટ્રોલ્સ લખનૌ સ્થિત પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રાના સમર્થનમાં છે. જ્યારે આ વિવાદ થયો ત્યારે સુષ્મા સ્વરાજ વિદેશયાત્રા પર હતા. ર૪ જૂન રવિવારે સ્વરાજે આ નફરતભર્યા, અપમાનજનક અને સાંપ્રદાયિક રંગ ધરાવતા ટ્‌વીટસ પર કટાક્ષ કરતા ટિ્‌વટ કર્યું હતું કે, હું ૧૭ જૂનથી ર૩ જૂન ર૦૧૮ની વચ્ચે ભારતની બહાર હતી. મારી ગેરહાજરીમાં શું થયું હું એ જાણતી નથી. પરંતુ કેટલાક ટ્‌વીટ્‌સ દ્વારા મારૂં સન્માન કરવામાં આવ્યું છે. હું તે ટિ્‌વટસ તમારી સાથે શેર કરી રહી છું. મેં તેમને લાઈક પણ કર્યા છે. સુષ્મા સ્વરાજ વિશે જે ટ્‌વીટ કરવામાં આવી તે ખરેખર નિમ્ન કક્ષાની અને ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધની ટ્‌વીટ હતી. પંજાબના કેપ્ટન સરબજીત ધિલ્લોને સ્વરાજની તબિયતની મજાક ઉડાવતા ટ્‌વીટ કરી હતી કે, તે લગભગ મૃત્યુ પામેલી સ્ત્રી છે. કારણ કે તે એક કીડનીથી (એ પણ કોઈના પાસેથી લીધેલી) કામ ચલાવે છે અને કોઈપણ સમયે તે કામ કરતી બંધ થઈ જશે.” હરિદ્વારના રહેવાસી ઈન્દ્ર વાજપાયીએ ટ્‌વીટ કરી હતી કે, મેડમ તમને શરમ આવવી જોઈએ, શું તમારા મંત્રાલયનો નિર્ણય તમારી ઈસ્લામિક કીડનીની અસર છે. જ્યારે ભારત નામના ટ્‌વીટર હેન્ડલ પરથી આઘાતજનક ટ્‌વીટ કરવામાં આવી હતી. તેણે સુષ્મા સ્વરાજની હત્યા કરવાની હાકલ કરી, તેણે લખ્યું હતું કે, તે ક્યારેક તો જાહેરમાં આવશે. વહેલામાં વહેલી તકે કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ તેમને શોધી તેમનો અંત લાવી દેશે. આ બધા વિવાદમાં વિરોધ પક્ષ કોંગ્રેસે સુષ્મા સ્વરાજનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસે ટ્‌વીટ કરી હતી કે, કોઈપણ સંજોગ અને કારણના લીધે કોઈને પણ હિંસાની ધમકી, અનાદર અને અપશબ્દો બોલવાનો અધિકાર નથી. તમારી પોતાની પાર્ટીના અધમ ટ્રોલ્સને જવાબ આપવાના તમારા નિર્ણયનું અમે સમર્થન કરીએ છીએ.