(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આજે એક ઉચ્ચ સ્તરિય બેઠક બાદ કહ્યું છે કે, પ્રમોશનમાં અનામતને ફરીથી બહાલ કરવાને લઇને સુપ્રીમ કોર્ટથી મળેલી અસ્થાયી રાહત બાદ આ કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારમાં પણ લાગુ થશે.
તેમણે કહ્યું કે, કેટલાંક ભ્રમ હતાં કારણ કે તેને લઇને શંકા હતી કે, કોર્ટનો નિર્દેશ માત્ર કેંન્દ્ર સરકારની નોકરીઓમાં જ લાગુ થશે. હવે કોઇ ભ્રમ નથી. કેન્દ્રની સાથે રાજ્ય પણ કર્મચારીઓને પણ પ્રમોશન શરૂ કરશે. કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગ જલ્દી જ આ બાબતે નિર્દેશ જાહેર કરશે.
તેમણ કહ્યું મંત્રીઓના એક સમુહે આજે એક બેઠકમાં ચર્ચા કરી. આ મંત્રીઓમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, કાયદામંત્રી રવિશંકરપ્રસાદ, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહેલોત અને રામવિલાસ પાસવાન સામેલ હતા.
સરકારે આ સમુહની રચના દલિત અને આદિવાસી જનસંખ્યાના મુદ્દે ચર્ચા કરવા માટે કરી છે. અલગ-અલગ હાઇકોર્ટના આદેશોના પરીણામ તે આવ્યું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત રોકાઇ ગયું હતું અને કેન્દ્રએ સુપ્રીમની શરણ લીધી હતી અને કોર્ટે સુનવણી કરતા મંજુરી આપી હતી કે, જ્યાં સુધી અંતિમ નિર્ણય આવે નહી ત્યાં સુધી પ્રમોશનમાં અનામત આપવા પર આગળ વધી શકો છો.