(એજન્સી) નવી દિલ્હી, તા.૩
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે વટહુકમ લાવવા માટે કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર આરએસએસ અને હિન્દુવાદી સંગઠનો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના સહયોગી અને કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને રામ મંદિર મુદ્દા અંગે વટહુકમનો ગુરૂવારે વિરોધ કર્યો છે અને જણાવ્યું કે, આ મુદ્દા અંગે સુપ્રીમકોર્ટનો ચુકાદો ફાઇનલ હોવો જોઇએ. રામ મંદિર અંગે વટહુકમનો વિરોધ કરનાર પાસવાન બિહારમાં ભાજપના બીજા સહયોગી બની ગયા છે. રામ વિલાસ પાસવાને રામ મંદિર નિર્માણ અંગે વટહુકમનો જ વિરોધ કર્યો નથી પરંતુ તેમણે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સામે પણ વિરોધ કર્યો છે. લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)ના વડા પાસવાન કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ અંગે ભાજપના વલણથી અલગ વલણ ધરાવે છે. તેમણે કહ્યું કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાનું તેઓ સમર્થન કરે છે. પાસવાને જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના મુદ્દા અંગે સુપ્રીમકોર્ટ જે કોઇ ચુકાદો આપે તેનો હિન્દુ હોય કે મુસ્લિમ અથવા અન્ય સમુદાય હોય, પ્રત્યેકે સ્વીકાર કરવો જોઇએ. પાસવાને જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી દીધું છે કે, અમે સુપ્રીમકોર્ટના ચુકાદા સુધી રાહ જોઇશું તો, પછી બધા જો અને તો,નો અંત આવી જવો જોઇએ.
રામ વિલાસ પાસવાને જણાવ્યું કે, રામ મંદિરના મુદ્દા અંગે તેમના પક્ષનું વલણ સુસંગત છે અને તેઓ વટહુકમને સમર્થન આપશે નહીં. ગયા મહિને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે જણાવ્યું હતું કે, રામ મંદિરનો મુદ્દો કોર્ટના ચુકાદા કે વિભિન્ન જૂથો વચ્ચે પરસ્પર સમજૂતીથી ઉકેલવો જોઇએ. નીતીશ કુમારે એવું પણ કહ્યું હતું કે, અમારો એવો અભિપ્રાય છે કે રામ મંદિરનો મુદ્દો કોર્ટના ચુકાદા દ્વારા ઉકેલવો જોઇએ. અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળની જમીનની માલિકીનો મુદ્દો સુપ્રીમકોર્ટમાં પડતર છે.