પાટણ, તા. ૪
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે અસહ્ય ગરમીથી કંટાળી તળાવમાં ન્હાવા પડેલા પાંચ બાળકો પૈકી ત્રણના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. જ્યારે બેને બચાવી લેવામાં આવ્યા હતા. ડૂબી ગયેલી એક બાળકી સહિત ત્રણ બાળકોના સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ ગતરોજ મોડી સાંજે બહાર નિકાળ્યા બાદ વારાહીની સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરવામાં આવ્યું હતું. આજે આ બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવતાં અને એકી સાથે ત્રણ બાળકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર મઢુત્રા ગામ હિબકે ચઢ્યું હતું. આ બનાવને પગલે સાંતલપુર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.
અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં મઢુત્રા ગામના પાદરે આવેલા ખારીયા તળાવમાં રવિવારે બપોરના સમયે બે બાળકી અને ત્રણ બાળકો ન્હાવા માટે પડ્યા હતા તે વખતે ન્હાવા પડેલા બાળકો પાણીમાં ડૂબતા હોવાનું કોઈ મહિલાને જણાતા તેણે તાત્કાલિક ગામમાં આવી જાણ કરતાં ગામમાં ઢોલ વગાડતાને સાથે ગ્રામજનો તળાવ પર દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં છલાંગ લગાવી બાળકોને બચાવવા માટે પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. તરવૈયાઓની એકાદ કલાકની જહેમત બાદ પાંચ બાળકોને પાણીમાંથી બહાર કઢાયા હતા. જેમાં (૧) ભરત ભલાભાઈ રાઠોડ (૭) ધો-ર (ર) ધ્રુવ પ્રવિણભાઈ બારોટ (૧૦) ધો.પ (૩) નેહા શંભુભાઈ પરમાર (૯) ધો.૪ ના મોત થયા હતા. જ્યારે મઢુત્રા ગામનો ધોરણ ૯માં અભ્યાસ કરતો હિતેશ સવજીભાઈ પરમાર (૧૪)ની તબિયત લથડતા તેને સારવાર માટે ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મઢુત્રા ગામની ધોરણ ૩માં અભ્યાસ કરતી આરતી ધનાભાઈ પરમારને હેમખેમ બચાવી લેતાં તેના માતા-પિતાને સુપ્રત કરી હતી.