પાટણ, તા.ર૮
સુરત શહેરના ટ્યુશન ક્લાસીસમાં બનેલી ગોઝારી ઘટના બાદ સરકારે ફાયર સેફ્ટીના સર્ટીફિકેટની ચકાસણી કરવાનું ફરજિયાત બનાવતા પાટણમાં ચાલતા ટ્યુશન ક્લાસીસોને બંધ કરવાની સૂચનાઓ આપતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જે અનુસંધાની આજે ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ શહેરમાં ટ્યુશન ક્લાસીસો ફાયર સેફ્ટી સિવાયના હોય તેવા જ ટ્યુશન ક્લાસીસોને બંધ કરવામાં આવે અને ફાયર સેફ્ટીની સુવિધાવાળા ચાલુ રાખવામાં આવે તેવી માંગ સાથે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
સુરતમાં બનેલી દુર્ઘટનામાં જીઈબી તેમજ ફાયર સેફ્ટીના અભાવે માસૂમ બાળકોનો ભોગ લેવાયો હતો જેના કારણે સેફ્ટીના અભાવે પાટણમાં ચાલતા ટ્યુશન ક્લાસીસો બંધ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જેને લઈ ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, શહેરમાં ફાયર સેફ્ટી વિહોણા ટ્યુશન ક્લાસીસ બંધ રાખવામાં આવે અને જે ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સેફટીની સુવિધા હોય તેવા ક્લાસીસો ચાલુ કરવાની સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.શહેરના અન્ય સંચાલકોની બેદરકારીને કારણે ફાયર સેફ્ટી ધરાવતા સંચાલકોને હેરાન થવું પડે તેવા પગલા વહીવટી તંત્રએ ન ભરવા તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.વધુમાં ટ્યુશન ક્લાસીસ પર ફાયર સેફ્ટીની સગવડો સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જે વહીવટી તંત્રના પ્રતિનિધિઓ દ્વારા ચકાસણી કરાવીને તાત્કાલિક ધોરણે આ ટ્યુશન ક્લાસીસો ચાલુ કરવાની સૂચનાઓ આપવામાં આવે તેવી સંચાલકોએ માંગ કરી છે.