(સંવાદદાતા દ્વારા)
પાટણ,તા.૧૧
પાટણમાં એક મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગના ભોજન સમારોહમાં દૂધીનો હલવો આરોગ્ય બાદ મોડી સાંજે અંદાજે પ૦ જેટલા લોકોને ફૂડ પોઈઝન કારણે ઝાડા-ઉલ્ટી થતા ભારે દોડધામ સાથે અફરાતફરી મચી ગઈ હતી અને અસરગ્રસ્તોને તાકીદે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં બે જણાની હાલત ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાટણના વનાગવાડા વિસ્તારમાં રહેતા કરીમભાઈ અમુભાઈ શેખના પુત્ર આરીફના લગ્ન પ્રસંગે બપોરના સમયે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં અંદાજે ૧૦૦૦થી વધુ વ્યકિતઓએ દૂધીનો હલવો આરોગ્યો હતો. જેમાંથી પ૦ જેટલાને રાત્રીના સમયે એકાએક પેટમાં દુઃખાવો અને વારાફરતી ઝાડા-ઉલ્ટી થતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફુડ પોઈઝનના આ બનાવની જાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટીના ચેરમેન ગુલાબખાન રાઉમા, કોંગ્રેસના ઉમેદવાર ડો. કિરીટ પટેલ, હુસેનમિયાં સૈયદ, યાસીન મીરઝા, કોર્પોરેટર ભરત ભાટિયા, લાલેશ ઠક્કરને થતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને અસરગ્રસ્ત એવા યુવાનો, મહિલાઓ, વૃધ્ધો અને બાળકોને સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી તબીબોની ટીમો બોલાવી સઘન સારવાર અપાવી હતી.
પાટણ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રદીપ પરમાર, ડો. રાજેશ ઠક્કર, ડો. ભાવનાબેન સોની સહિત સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી પ૦થી વધુ દર્દીઓને એકી સાથે સારવાર આપી હતી. આરોગ્ય ટીમે ઘટના સ્થળે જ ભોજનના સેમ્પલ લીધા હતા જેમાં માવાના કારણે ફુડ પોઈઝીંગનો આ બનાવ બન્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
બનાવની જાણ થતા ભાજપના ઉમેદવાર રણછોડભાઈ દેસાઈ, ધર્મેશ પ્રજાપતિ, સુરેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોને મળ્યા હતા.