(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧ર
પાટણ શહેર સહિત જિલ્લામાં આજે સાંજના સુમારે એકાએક વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
પાટણ જિલ્લાના ખેડૂતોની આ વર્ષે માઠી દશા બેઠી હોય તેમ ચોમાસું જવાનું નામ લેતું નથી. અવારનવાર ડિપ્રેશન સિસ્ટમ કાર્યરત થતાં ચોમાસા બાદ પણ કમોસમી વરસાદ પડે છે. ખેડૂતોને સરકાર દ્વારા હજુ પાક નુકસાનીની પૂરતી સહાય ચૂકવાઈ પણ નથી ત્યાં આજે ફરી શિયાળામાં ચોમાસું માહોલ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને પાટણ સહિત જિલ્લાના રાધનપુર-ચાણસ્મા, હારીજ, સમી સરસ્વતી અને સિદ્ધપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે જુવાર, તેલીબિયા, વરિયાળી અને જીરૂ સહિતના પાકોને મોટા પાયે નુકસાન થવાની સંભાવનાઓ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
પાટણ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ, વાવ અને દિયોદર પંથકમાં પણ જોરદાર પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.