પાટણ, તા.ર૭
પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું કોકડું ગુંચવાયેલું રહ્યા બાદ ગત મોડી રાત્રે પાટણના સ્થાનિક અને પાટણ જિલ્લા પાસ કન્વીનર ડૉ. કિરીટભાઈ પટેલના નામ પર કોંગ્રેસે મહોર મારી જાહેર કર્યું હતું. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તેમણે પોતાના હજારો સમર્થકો, કોંગ્રેસના કાર્યકરો સાથે ભવ્ય રેલી યોજી ઉમેદવારી નોંધાવી હતી. આજે સવારે રાજમહેલ રોડ ઉપર આવેલ વિશ્વાસ કોમ્પલેક્ષ ખાતેથી ડૉ. કિરીટ પટેલનો ભવ્ય રોડ-શો યોજાયો હતો અને નવસર્જન ગુજરાતના નાચ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા હતા. વિશાળ રેલીમાં તમામ ધર્મ અને સમાજના લોકો ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, કોર્પોરેટરો જોડાયા હતા. ડૉ. કિરીટ પટેલે આજે ઉમેદવારી ફોર્મ ભરવા જતા સમયે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ, બગવાડા ચોક ખાતે સરદાર પટેલ અને સિદ્ધરાજ જયસિંહ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલી અર્પણ કરી હતી. જ્યારે બગવાડા ચોકમાં જ આવેલ હઝરત કાલુપીર (ર.અ.)ની દરગાહ શરીફમાં જઈ ચાદર ચડાવી વિજય માટે દુવા કરી હતી. ડૉ. કિરીટ પટેલે પોતાના સમર્થકો સાથે નાયબ ચૂંટણી અધિકારી એન.કે. ભગોચને પોતાનું ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું. જ્યાં ચૂંટણી અધિકારીએ ભારત ના સંવિધાન મુજબ તેઓને ચૂંટણી અંગેના શપથ લેવડાવ્યા હતા.