પાટણ, તા.૬
પાટણ નગરપાલિકામાં સત્તાધારી કોંગ્રેસ પક્ષના જ કેટલાક નગરસેવકોના વિકાસલક્ષી કામો પ્રત્યે ચીફ ઓફિસર દ્વારા ઉદાસીનતા દાખવી ઉપેક્ષા કરવામાં આવે છે. જેને લઈ આજે ઉપેક્ષાવૃત્તિનો ભોગ બનેલા કોર્પોરેટરો દ્વારા ચીફ ઓફિસરની સાથે વાર્તાલાપનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ચીફ ઓફિસરે ગેરહાજર રહી “ખો” આપતા રોષે ભરાયેલા નગરસેવકોએ ભારે સૂત્રોચ્ચાર કરી તેમની કચેરીને તાળાબંધી કરી હતી.
ચીફ ઓફિસર આર.એચ. પટેલની કાર્યપદ્ધતિથી નારાજ શાસક પક્ષના ૧પથી વધુ નગરસેવકો અને કોંગ્રેસી કાર્યકરોએ આજે ભારે હલ્લાબોલ મચાવ્યો હતો. ચીફ ઓફિસર જાહેર વાર્તાલાપ કરવા હાજ નહીં રહેતા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેના લખાણ લખેલા પોસ્ટરો નગરપાલિકાની દિવાલ ઉપર લગાવી ચીફ ઓફિસરની ચેમ્બરને તાળાબંધી કરી હતી.
ભાજપના એજન્ટ તરીકે કામગીરી કરતા ચીફ ઓફિસરને બરતરફ કરવાની માંગણી સાથે ઉપસ્થિત કોર્પોરેટરો તેમજ કોંગ્રેસી કાર્યકરોએ પાલિકાના ઉપપ્રમુખ દિનેશ પટણીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ઘણા સમયથી માર્ગોની હાલત બિસ્માર બની છે. ઠેર-ઠેર મોટા-મોટા ખાડા પડ્યા છે જેનું સમારકામ કરવા રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવતુ નથી.
કોર્પોરેટરોએ ચીફ ઓફિસર ઉપર આક્ષેપ કરી જણાવ્યું હતું કે, તેઓ કોન્ટ્રાકટરોને છાવરી રહ્યા છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે. જે વિકાસલક્ષી કામોમાં કમિશન મળે છે તેવા કામોમાં જ રસ દાખવી રહ્યા છે. કોઈ કોર્પોરેટર પોતાના વિસ્તારના પ્રજાલક્ષી કામ માટે માલ-સામાનની માગણી કરે છે ત્યારે ચીફ ઓફિસર યેનકેન પ્રકારે ટાળી દે છે. જ્યારે સરકારના મંત્રીનો કાર્યક્રમ હોય તો તમામ મશીનરી અને સાધન સામગ્રી સાથે સ્થળ ઉપર પહોંચી જાય છે. તેવો આક્ષેપ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર લાલેશ ઠક્કર, પૂર્વ પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ, મુમતાજબાનુ શેખ, હુશેનમીયા સૈયદ સહિત કોર્પોટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.