પાટણ,તા.રપ
પાટણ શહેરમાં સ્વાઈન ફ્લૂ અને વાયરલ ફિવરનો રોગચાળો દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે ધારપુર સિવિલ હોસ્પિટલ, પાટણ અર્બન હેલ્થ સેન્ટર તથા શહેરમાં આવેલી અન્ય ખાનગી હોસ્પિટલો અને કલીનીકોમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સ્વાઈન ફ્લૂની ઝટપમાં આવેલી પાટણની એક મહિલાનું મોત થતા છેલ્લા ર૦ દિવસમાં સ્વાઈન ફ્લૂથી ચારના મોત થયા છે. જયારે બીજી બાજુ શહેરમાં રોગચાળો ફેલાયો હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નિયમિત રીતે મચ્છરનાશક દવાનો છંટકાવ અને ફોગીગ મશીન ફેરવવામાં નહી આવતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. પાટણ શહેરના ધીવડા વિસ્તારમાં આવેલ મણિયાતીપાડામાં રહેતા ભારતીબેન બિપીનભાઈ મોદી (ઉ.વ.૪પ)ને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેનું મોત નીપજયું હતું. પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં હાલ સ્વાઈન ફ્લૂ પોઝિટિવના ૧૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
પાટણ સિવિલ હોસ્પિટલમાં રોજની સરેરાશ ૧૦૦ દર્દીઓની ઓપીડીનું પ્રમાણ હતું જે વધીને હાલમાં ૩૦૦થી ૪૦૦ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં ૭૯પપથી વધુ દર્દીઓએ વાયરલ ફિવરના તાવ, શરદી અને ખાંસીની સારવાર લઈ ચૂકયા છે. બાળકોમાં વાયરલ ફિવરની બીમારીમાં રર૧૪ જેટલા કેસો નોંધાવા પામ્યા છે. જયારે બીજી તરફ ભેજવાળા વાતાવરણને લઈ હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ દિવસ દરમ્યાન ર૩ જેટલા મેલેરિયાના કેસો પોઝિટિવ નોંધાવા પામ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં ૧પ૪થી વધુ મેલેરિયાના કેસો નોંધાયા છે. આ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલો અને મહોલ્લા પોળોમાં આવેલ તબીબોની કલીનીકો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.