પાટણ, તા.૩૦
પાટણ શહેરમાં શનિવારે પડેલા સાડા છ ઈંચ વરસાદ બાદ અવિરત વરસાદી ઝાપટા વચ્ચે ફરી ગતરાતથી અનાધાર પાંચ ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેર-ઠેર જળબંબાકાર બની પાણી ભરાયા છે. પાટણ ઉપરાંત હારીજ, રાધનપુર, સરસ્વતી, ચાણસ્મા, સમી, શંખેશ્વર, સાંતલપુર અને સિદ્ધપુરમાં પણ ત્રણથી પાંચ ઈંચ વરસાદ પડતા પ્રજા અને ખેડૂત વિમાસણમાં મૂકાયા છે. ખેતરોમાં પાણી ભરાતા દિવેલા નિષ્ફળ જવાની સાથે ઘાસચારો, કઠોળ અને ધાન્ય પાક બાજરી તથા કપાસને પણ નુકસાનની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
પાટણમાં અવિરત પડી રહેલા વરસાદને કારણે બુકડી વિસ્તારમાં ત્રણ મકાનો ક્ષતિગ્રસ્ત બન્યા છે. જ્યારે ડીસા હાઈવે પર શ્રમજીવી વિસ્તારમાં રહેતા કાનજીભાઈ પુંજાભાઈ સેનમાના મકાનનો આગળના ભાગની છત ધરાશાયી થઈ હતી. સદ્નસીબે પરિવાર ઘરમાં ઉંઘતો હોઈ આબાદ બચાવ થયો હતો. પાટણ-સિદ્ધપુર હાઈવે પર રિક્ષા પર વૃક્ષ પડતા ચાલકનો બચાવ થયો હતો જ્યારે રિક્ષાને નુકસાન થયું હતું.
પાટણમાં શનિવારે સાડા છ ઈંચ બાદ ફરી ગતરાત્રિથી શરૂ થયેલ વરસાદને કારણે ઠેર-ઠેર ઢીંચણ સમાન પાણી ભરાયા છે. શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર યુનિવર્સિટી રોડ સિવાય તમામ માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવો હંગામી બસસ્ટેન્ડ પણ બેટમાં ફેરવાયો છે. આનંદ સરોવર ઓવરફ્લો થતા અને વરસાદ ચાલુ રહેતા આજુબાજુની સોસાયટીઓમાંથી પાણી નહીં ઓસરતા લોકોને ઘરોમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે. ઐતિહાસિક રાણીની વાવના બે માળ સુધી અને સહસ્ત્રલીંગ તળાવમાં પણ વરસાદી પાણી ભરાયા છે.
બારેમાસ સુકીભઠ્ઠ રહેતી સરસ્વતી નદીમાં પાણી આવતા પાટણ ખાતે આવેલ સરસ્વતી ડેમ ભરાઈ જતા આજે મોડી સાંજે એક દરવાજો ખોલવામાં આવ્યો હતો.
પાટણ શહેરમાં વધુ પાંચ ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળ બંબાકાર : પાકને નુકસાનની ભીતિ

Recent Comments