(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૪
બોરસદ તાલુકાનાં કઠાણા ગામ નજીક ખોડીયાર માતાનાં મંદીર પાસે મોટર સાયકલ લઈ પસાર થતા બદલપુરનાં યુવકનું પતંગની દોરીથી ગળુ કપાઈ જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હોવાનો બનાવ વિરસદ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર બોરસદ તાલુકાનાં બદલપુર ગામે પાણીની ટાંકી પાસે રહેતા વિરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ગરાસીયા (ઉ.વ.૨૫)ગઈકાલે સાંજનાં પાંચ વાગ્યાનાં સુમારે કઠાણા ગામ નજીક ખોડીયાર માતાનાં મંદીર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી તેઓનાં ગળામાં ફસાઈ જતા ગળુ કપાઈ જતા તેઓ મોટર સાયકલ સાથે રોડ પર પટકાયા હતા જેઓને ગળાનાં ભાગે ગંભીર ઈજાઓ થઈ હોઈ આસપાનાં લોકો દોડી આવ્યા હતા અને તેઓને ત્વરીત સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પીટલમાં ખસેડયા હતા અને જયાંથી વધુ સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડતા જયાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું,જે બનાવ અંગે વિરસદ પોલીસે અપમૃત્યુંની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી,પોલીસે આજે મૃતક યુવાનનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ બાદ તેઓનાં પરિવારજનોને સુપ્રત કર્યો હતો,આ ધટનાને લઈને બદલપુર ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.