(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદનો વિકાસદર છેલ્લા એક વર્ષમાં નબળો પડયો છે. તેની સ્થર્ધક કંપનીઓ દ્વારા પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણની શરૂઆત આ ઘટાડા પાછળનું કારણ હોઈ શકે છે. તાજેતરના આંકડા મુજબ પતંજલિના વૃદ્ધિદરમાં ઓકટોબરથી માર્ચ ર૦૧૮ સુધી ૭% વધારો થયો જે એપ્રિલથી સપ્ટેમ્બર ર૦૧૭ સુધી રર% હતો જે ઘણી મોટી પડતી છે. તાજેતરના એહવાલો મુજબ પતંજલિના વેચાણ દરમાં ચાર વર્ષ બાદ ર૦૧૮માં કોઈ વૃદ્ધિ થઈ નથી. ગત વર્ષ સુધી તે ૧૦૦% સીએજીઆર સાથે વૃદ્ધિ મેળવી રહી હતી. પતંજલિના પ્રવકતા એસ.કે.તિજારાવાલાએ જણાવ્યું કે, એફએમસીજી સેકટરમાં પતંજલિ સૌથી વધુ હલચલ મચાવનાર કંપની છે. માર્કેટમાં આ બ્રાન્ડ સ્થાપિત થઈ ગઈ છે. અમારા માર્કેટ શેરમાં વધારો થઈ રહ્યો છે. અમે સ્થાપિત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને પણ ટક્કર આપી છે. ૧૯૯૭માં એક નાની ફાર્મસી સાથે શરૂઆત કરનાર પતંજલિ પાસે અત્યારે બે ડઝનથી વધુ એફએમસીજી ઉત્પાદનો છે. તેમાં ટૂથપેસ્ટ, શેમ્પુ, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો વગેરેનો સમાવેશ થાય છે. કંપનીનું આ વર્ષનું વેચાણ લગભગ ૧૦,પ૦૦ કરોડ રૂપિયા હતું. ગ્રાહક વેચાણ બજારમાં આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉત્પાદનોનો ૧૦% ભાગ છે. વિશ્લેષકોનું માનવું છે કે, પતંજલિના વિકાસ પાછળ બાબા રામદેવના પ્રશંસકો, વ્યાજબી કિંમતો અને ઝડપથી વિવિધ ક્ષેત્રોમાં પ્રવેશ જેવા કારણો છે. જો કે, અહેવાલ અનુસાર ગત વર્ષે માત્ર ટૂથપેસ્ટ અને મધના ઉત્પાદનોમાં જ પતંજલિના માર્કેટ શેર વધ્યા છે. અન્ય ક્ષેત્રોમાં કંપનીના માર્કેટ શેરમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.
પતંજલિના ‘‘અચ્છે દિન’’નો અંત, વિકાસદરમાં ઘટાડા સાથે પડતીની શરૂઆત

Recent Comments