ત્રણ ગામની પોલીસ ખડકી ગામમાં ચુસ્ત બંદોબસ્ત

અજાણ્યા હુમલાખોરોના કૃત્ય પાછળનું પ્રયોજન શું ?

(સંવાદદાતા દ્વારા)

સુરેન્દ્રનગર, તા.ર૦

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારો બેફામ બનીને નાહક નિર્દોષ લોકોને રંજાડતા હોવાના બનાવ બને છે જેમાં ગઈકાલે પાટડી ગામમાં સિઝનેબલ વ્યવસાય કરતા મુસ્લિમ શખ્સ ઉપર બાઈકસવાર ત્રણ શખ્સો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને આ મુસ્લિમ શખ્સના  હાથ કાપી નાંખવાનો બનાવ બનતા નાના એવા આ ગામમાં અફડાતફડીભર્યો માહોલ છવાયો હતો. જેની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને જાણકારી મળતા પાટડીમાંં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના   ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને હાથ કપાયેલા મુસ્લિમ શખ્સની પૂછપરછ કરી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. હાલમાં પાટડી ગામમાં ત્રણ ગામના પોલીસ મૂકવામાં આવેલ છે. પાટડી પોલીસને અચરજ એ છે કે ઈજાગ્રસ્ત યુવાન હુમલાખોરોને ઓળખતો નથી કે નથી  એને કોઈ દુશ્મનાવટ છતાં તેની ઉપર એકાએક ધસી  હુમલો કેમ કરવામાં આવ્યો પાટડી પોલીસ દ્વિધાંમાં હોવાનું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે.

આ બનાવ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર પાટડીના વાસોડીયાવાસ વિસ્તારમાં રહેતા મજીદખાન ભિખુખાન પઠાણ (ઉ.વ.૩૦) પોતે સિઝનેબલ ફ્રુટનો વ્યવસાય બસ સ્ટેન્ડ પાસે કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે ત્યારે ગત સાંજના ૭ઃ૩૦ વાગ્યાના અરસા બાદ પોતાની લારી લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો બાઈક ઉપર ધસી આવી મજીદખાન પઠાણ ઉપર હુમલો કરી તેનો હાથ કોણીમાંથી જ ઘાતક હથિયાર વડે કાપી નાંખ્યો હતો. જેની જાણ થતા લોકોમાં જનઆક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે પરિસ્થિતિ પારખી પોલીસ  તંત્રએ પાટડી, દસાડા અને ઝિંઝુવાડા સહિત ત્રણ ગામની પોલીસને બોલાવી લેવામાં આવેલ અને પરિસ્થિતિ પર નિયંત્રણ જાળવવામાં પોલીસને સફળતા મળી હતી. ત્યારે આ ત્રણ હુમલાખોરો કોણ  અને શા કારણે હુમલો કર્યો ? જેવા અનેક સવાલ પાટડીની જનતામાં ઉઠ્યા છે.

અત્રે નોંધનીય છે કે કોણીમાંથી હાથ છૂટો થઈ ગયેલ  આ યુવાનને પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાંથી અન્યત્ર સલામત સ્થળે સારવાર માટે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.