(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૮
આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાના અલારસા ગામે ક્રિકેટ રમવાની પીચ ખોદી નાખવા બાબતે દરબારો અને પટેલ જ્ઞાતિના યુવાનો વચ્ચે થયેલી બોલાચાલીએ જુથ અથડામણનું સ્વરૂપ લીધું હતું અને બંને કોમના યુવાનો ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયાં હતાં અને ભારે પથ્થર મારો કર્યો હતો આ બનાવ અંગે બોરસદ સીટી પોલીસે બંને જુથના ૪૮ આરોપીઓ વીરૂદ્ધ સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વીગતો અનુસાર અલારસા ગામે વાંટા વીસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે બોલાચાલીની રીષ રાખી રાત્રીના સુમારે પટેલ જ્ઞાતિના છોકરાઓએ ક્રિકેટ રમવાની પીચ ખોદી નાંખી હતી. જે બાબત અંગે પટેલો અને દરબારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સમાધાન થયું હતું. ત્યારબાદ દરબાર સમાજનાં યુવકો હાઈસ્કુલના મેદાનમાં ક્રિકેટ રમવા માટે જતાં પટેલ જ્ઞાતિના યુવકોએ આ હાઇસ્કુલ અમારી છે અને હાઈસ્કુલમાં તમારે ક્રિકેટ રમવા આવવું નહીં તેમ કહી ઝઘડો કરી જપાજપી કરી હતી અને ત્યારબાદ આ ઝઘડાઓ ઉગ્ર સ્વરૂપ લેતાં પટેલ અને દરબાર જ્ઞાતિના લોકો મારક હથિયારો સાથે સામસામે આવી ગયાં હતાં અને એકબીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતાં બોરસદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પથ્થરમારો કરતાં ટોળાને વીખેરી નાંખી મામલો થાળે પાડયો હતો. આ બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે પ્રકાશભાઈ કુબેરસીંહ મહીડાની ફરીયાદના આધારે રૂતુલભાઈ મહેશભાઈ પટેલ, સહિતના શખ્સો વિરૂદ્ધ ઈપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭, ૩ર૩, ૪ર૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જયારે સામાપક્ષે વીમલકુમાર રમેશભાઈ પટેલની ફરીયાદના આધારે ભૌમિકસીંહ પ્રકાસસિંહ,સહિત શખ્સો વિરૂદ્ધ ઈપીકો કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭, ૩ર૩, ૪ર૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.