(એજન્સી) શ્રીનગર, તા.૭
ઉત્તર કાશ્મીરના હાઝીન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સરકારી દળોએ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કરતાં રપ વર્ષના એક યુવાને પગે ઈજાઓ થઈ હતી જ્યારે બીજા પાંચ ઘવાયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ હાઝીન શહેરના પેરી અને બોન મહોલ્લા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહેલા રાષ્ટ્રીય રાઈફલના જવાનો પર સ્થાનિક યુવકોએ પથ્થરમારો કરતાં જવાનોએ ટીયરગેસ છોડ્યા હતા. છતાં ટોળાએ પથ્થરમારો ચાલુ રાખતાં ફાયરિંગ કર્યું હતું. જેમાં નઈમ અહેમદ દાર નામના યુવકને ઘૂંટણમાં ઈજાઓ થઈ હતી. જેને વધુ સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. આ સાથે બીજા પાંચ લોકોને પણ ઈજાઓ થઈ હતી. તેમ હાઝીનના ડૉ.તારીકે જણાવ્યું હતું. કાશ્મીરના ઈન્સ્પેક્ટર જનરલ મુનીર અહેમદે કહ્યું હતું કે, આ ઘટનાની તપાસ કરાશે. સેનાએ હાઝીન શહેરના વિવિધ મહોલ્લામાં પ્રવેશ કરી લોકોના ઘરોની તોડફોડ કરી આગ લગાડી હોવાનો સ્થાનિક યુવક અહેમદે આરોપ મૂક્યો હતો. પ્રદર્શનકારીઓએ ફાયર ફાઈટરને પણ આગ ચાંપી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મોટાભાગે પેટ્રોલિંગ પાર્ટી અંદરના વિસ્તારોમાં આવતી નથી.