(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૩
આણંદ તાલુકાના કણભાઈપુરા ગામે રોહીત પરિવાર પર વાઘરી પરિવારના ઘરે ઈંડા લેવા ગયો હતો તે વખતે તેણે ઈંડા પર હાથ મુકતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જાતિવાચક શબ્દોથી અપમાન કરી ઝઘડો કરી માર માર્યો હતો ત્યાર બાદ ગેરકાયદેસર મંડળી બનાવી રોહીત પરીવાર પર હુમલો કરી છૂટા પથ્થરો મારી તોડફોડ કરી નુકસાન કરતાં ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
બનાવની પોલીસ મળતી વિગતો અનુસાર કણભાઈપુરામાં ચબુતરી પાછળ રોહીતવાસમાં જગદીશ મોહનભાઈ રોહીતનો પરીવાર રહે છે. જગદીશભાઈ ગઈકાલ સાંજે ઈંડાનો ધંધો કરતા મથુર મંગળભાઈના ઘરે ગયા હતા. તે વખતે ઈંડા માગીને તેમણે ઈડાને અડકતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મથુરે જગદીશભાઈને જાતિવાચક શબ્દોથી અપમાન કરી ઈંડાને કેમ અડયો તેમ કહી તેમની પાછળ દોડી માર માર્યો હતો ત્યાર બાદ મથુરભાઈ, વિજય મધુ, લક્ષ્મણ મંગળ, મેલા લક્ષ્મણ, રમેશ બાબુ, ભુલા મંગળ, ગોવિંદ ધુળા, લાડુબેન, શાંતાબેન, જશીબેન સહિત ૧૯ ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી જગદીશ મોહન રોહીતના ઘરે હુમલો કરી જગદીશભાઈ અને ઘરના સભ્યોને લાકડાના દંડા વડે માર મારી તથા ઘરમાં તોડફોડ કરી છુટા પથ્થર મારી અને ફળીયામાં તોફાન મચાવી જાતિવાચક શબ્દોથી અપમાનીત કર્યા હતા. આ અંગે હંસાબેન વિપુલભાઈ રોહીતે ખંભોળજ પોલીસ મથકે મથુર મંગળ, રમેશ છગન, વિષ્ણુ છગન, સાગર સહિત ૧૯ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.