(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
દક્ષિણ કાશ્મીરના પથરીબલ વિસ્તારમાં ર૦૦૦ના વર્ષમાં થયેલ કથિત નકલી એન્કાઉન્ટરમાં પાંચ નાગરિકોના મોત અંગે પરિજનો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુપ્રીમકોર્ટ દ્વારા તપાસ કરવામાં આવશે. અરજીમાં આરોપી સેના અધિકારી વિરૂદ્ધ સીબીઆઈ ટ્રાયલની માંગ કરવામાં આવી હતી. ગત વર્ષે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ દ્વારા પરિજનોની અરજી રદ કરાતા મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો. જસ્ટિસ દીપક મિશ્રા, એ.એમ.ખાનવિલકર અને એમ.એમ.શાંતનગોદરની બેંચે કહ્યું છે કે મામલાની અંતિમ સુનાવણી છ સપ્તાહ પછી કરવામાં આવશે તે અંગે નોટિસ જારી કરવામાં આવી છે. એડવોકેટ નિત્યા રામકિશ્નન, ભોગ બનનાર ઝહુર અહમદ દલાલના મામા નાઝીર અહમદ દલાલ તરફથી રજૂ થઈ રહી છે. તેમણે કહ્યું કે સેના દ્વારા આરોપી અધિકારી વિરૂદ્ધ કોર્ટ માર્શલ કરવામાં આવ્યું નથી. તેણીએ કહ્યું કે, અરજીને ઝડપથી રદ કરવાનો જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનો નિર્ણય ખોટો હતો. વધારાના સરકારી વકીલ મનિન્દરસિંઘે કહ્યું કે તેમણે અરજીનો જવાબ ફાઈલ કરી દીધો છે. બેંચે કહ્યું કે મામલાની અંતિમ સુનાવણી છ સપ્તાહ પછી રાખવામાં આવી છે અને તે અંગે કેન્દ્ર, સેના અને સીબીઆઈને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલત ૭ ઓકટોબર ર૦૧૬ના રોજ પિટિશનની કોપી કેન્દ્રને આપવા માંગતી હતી જેથી કેન્દ્રનો વકીલ કોર્ટને સહાય કરી શકે. પીડિતના પરિવારજનોએ અરજીમાં સીબીઆઈ કોર્ટ સમક્ષ ટ્રાયલ પુનઃ શરૂ કરવા માંગ કરી હતી કારણ કે તપાસ કોર્ટ દ્વારા સેના અધિકારીને નિર્દોષ ઠેરવવામાં આવ્યા હતા. ર૦૧રમાં સર્વોચ્ચ અદાલત દ્વારા વિકલ્પ આપવામાં આવ્યા હતા કે અધિકારી વિરૂદ્ધ કેસ કોર્ટ માર્શલ અથવા ક્રિમિનલ કોર્ટમાં દાખલ કરવામાં આવે. દલાલ દ્વારા ર૭ એપ્રિલ ર૦૧૬ના રોજ હાઈકોર્ટ વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આપેલ સીબીઆઈ તપાસના આદેશ બાદ ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહની નાગરિકો તરીકે ઓળખ કરવામાં આવી હતી. આ મૃતદેહ ઝહુર અહમદ દલાલ, બશીર અહમદ ભાટ, મોહમ્મદ યુસુફ મલિક, જુમ્માખાનના છે. સીબીઆઈ રિપોર્ટ મુજબ ગોળીઓથી થયેલી ઈજાને કારણે મૃતદેહ ૯૮ ટકા જેટલા બળી ગયા હતા.