(એજન્સી) ન્યુયોર્ક, તા.ર૬
અમેરિકાના લોસ એન્જલસ હવાઈ મથક પર અધિકારીઓએ બ્રિટિશના નવદંપતીને ર૬ કલાક સુધી હિરાસતમાં રાખ્યા બાદ પરત લંડન રવાના કર્યા હતા. પતિ મુસ્લિમ હોવાથી આમ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ર૯ વર્ષીય નતાશા પોલીટાંકીજ અને તેનો પતિ અલી ગુલે કહ્યું હતું કે તેમને લોસ એન્જલસ હવાઈ મથક પર હિરાસતમાં લઈ તેઓ ગુનેગાર હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું. બ્રિટિશનું નાગરિકત્વ ધરાવતા પતિ-પત્નીને જબરદસ્તી બ્રિટન પરત મોકલવામાં આવ્યા હતા જેના લીધે તેમના હનીમૂન પેકેજની રકમ વેડફાઈ ગઈ હતી. તેમણે હનીમૂન પાછળ ૭ હજાર પાઉન્ડ અર્થાત ૧૦ હજાર ડોલરની ચૂકવણી કરી હતી. નતાશાએ આ અંગે જણાવ્યું હતું કે, તેનો પતિ અલી તુર્કી મૂળનો મુસ્લિમ છે. તે લંડનમાં પ્રોપર્ટી ડિલર છે. તેની પાસે બ્રિટિશ નાગરિકતા છે જેથી તેને અમેરિકા જવા માટે અગ્રીમ વીઝા લેવાની જરૂર ન હતી તેઓને હવાઈ મથક પર માત્ર પ મિનિટનો ઈન્ટરવ્યુ થશે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ તેમની હિરાસતની અવધિ ર૬ કલાક સુધીની રહી હતી.