(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
સ્ત્રી પુરૂષના લગ્નેત્તર સંબંધો સાથે જોડાયેલ ઈન્ડિયન પેનલ કોડથી કલમ ૪૯૭ બાબત સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યું છે અને વ્યભિચારને અપરાધના દાયરાથી બહાર મૂક્યું છે. કોર્ટે કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચે સહમતિ સાથે આ કલમ રદ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મહિલાઓની વ્યક્તિગત માનસિકતાને પીડા આપે છે અને આ જોગવાઈથી મહિલાઓને ‘પતિઓની સંપત્તિ’ બનાવેલ છે. બેંચે ૧પ૮ વર્ષ જૂની કલમ ૪૯૭ને ગેરબંધારણીય ઠરાવી રદ કરી છે. સુપ્રીમ કોર્ટે આ કલમને મનસ્વી, પૌરાણિક અને સમાનતાના અધિકાર અને મહિલાઓ માટે સમાન તકોના અધિકારોનો ઉલ્લંઘન કરવાવાળી જણાવી. સીજેઆઈ દીપક મિશ્રા, જજ આર.એફ. નરીમાન, જજ એ.એમ. ખાનવિલકર, જજ ડી.વાય. ચંદ્રચૂડ અને જજ ઈન્દુ મલ્હોત્રાએ એકમત થઈ આ કલમને ગેરબંધારણીય જાહેર કરી છે. બંધારણીય બેંચે જોસેફ સાઈનની અરજીના અનુસંધાને ચુકાદો આપ્યો છે. આ અરજી કોઈ વિવાહિત મહિલા સાથે લગ્નેત્તર જાતીય સંબંધોને અપરાધ ગણવા અને ફક્ત પુરૂષને જ ગુનેગાર ઠરાવી સજા કરવાની છે જેને પડકારવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે વ્યભિચારને પ્રાચીન અવશેષ જણાવી કહ્યું કે, માનવ જીવનના સમ્માનજનક અસ્તિત્વ માટે સ્વાયત્તતા સ્વાભાવિક છે અને કલમ ૪૯૭ મહિલાઓને એમની પસંદગીથી વંચિત કરે છે. વ્યભિચાર ગુનો ન હોવો જોઈએ પણ આ કૃત્યને કોઈપણ રીતે નૈતિક રીતે ખોટું જ ગણવામાં આવશે અને લગ્ન સમાપ્ત કરવા માટે તથા છૂટાછેડા લેવા માટે આધાર પણ માનવામાં આવશે. ઘરોને તોડવા માટે કોઈ સામાજિક લાયસન્સ નથી મળી શકતું.
ઈન્ડિયન પેનલ કોડની કલમ ૪૯૭ મુજબ જો કોઈ પુરૂષ હકીકત જાણવા છતાં કે કોઈ મહિલા બીજી વ્યક્તિની પત્ની છ ેઅને વ્યક્તિની પરવાનગી વિના મહિલા સાથે જાતીય સંબંધ સ્થાપિત કરે છે તો એ પરસ્ત્રીગમનના ગુનાનો દોષી ગણવામાં આવશે. જો કે આ બળાત્કારની શ્રેણીમાં નહીં આવશે અને આ ગુના માટે એમને પાંચ વર્ષ સુધીની સજા અથવા દંડ અથવા બંને ફટકારી શકાય છે. સાઈનીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, કાયદો જાતિની દૃષ્ટિએ તટસ્થ હોય છે પણ કલમ ૪૯૭ની જોગવાઈ પુરૂષો સાથે ભેદભાવ કરનાર છે જેનાથી બંધારણના અનુચ્છેદ ૧૪, ૧પ અને ર૧નો ભંગ કરે છે.
સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે અમે ઈપીકોની કલમ ૪૯૭ અને સીઆરપીસીની કલમ ૧૯૮ (ર)ને ગેરબંધારણીય જાહેર કરીએ છીએ. જજ ચંદ્રચૂડે પોતાના ચુકાદામાં કહ્યું કે કલમ ૪૯૭ મહિલાના સમ્માનને નષ્ટ કરે છે અને મહિલાઓને એમની ગરીમાથી વંચિત કરે છે. જજ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યું કલમ ૪૯૭ મૂળભૂત અધિકારોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે અને એને ચાલુ રાખવા માટે કોઈ દલીલ નથી. ખાનવિલકરે કહ્યું વ્યભિચાર મહિલાની વ્યક્તિક્તાને પીડા આપે છે. એમણે કહ્યું કે સંભવિત છે કે વ્યભિચાર ખોટા લગ્નનું કારણ ન હોય પણ એ તો સંભવિત છે કે લગ્નમાં અસંતોષ હોવાનું પરિણામ છે જ. જજ મિશ્રાએ કહ્યું મહિલા સાથે અસમાન વ્યવહાર બંધારણની નારાજગીને આમંત્રિત કરે છે. સમાનતા બંધારણનું શાસકીય માપદંડ છે. બંધારણની સુંદરતા એ છે જેમાં હું, મારૂં અને તમે સામેલ હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું મહિલાઓની સાથે અસમાનતાપૂર્ણ વ્યવહાર કરનાર કોઈ પણ જોગવાઈ બંધારણીય નથી અને હવે એ કરવાનો સમય આવી ગયો છે કે પતિ મહિલા તો માલિક નથી.

વ્યભિચારનો ગુનો ગણતો કાયદો ૧પ૦ વર્ષ જૂનો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી ૧પ૦ વર્ષ જૂના વ્યભિચારના ગુનાને ગેરબંધારણીય જાહેર કર્યો છે. લગ્નેત્તર સંબંધોને ગુનો ગણતી કલમ ૪૯૭ને લગતી અરજીઓનો ચુકાદો આપતા સીજેઆઈ દીપક મિશ્રાએ કહ્યું વ્યભિચારને છૂટાછેડા માટેનો આધાર ગણી શકાય છે પણ એને ગુનો ગણવામાં નહીં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું બધાને સમાન અધિકારો છે અને પતિ પત્નીનો માલિક નથી. સીજેઆઈએ કહ્યું કે, વ્યભિચારને ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ગુનો ગણવામાં નથી આવતો. એમણે કહ્યું, અમે વ્યભિચારને ગુનો નથી ગણતા પણ નૈતિકતાના આધારે એ ખોટું છે જ. જો વ્યભિચારના લીધે કોઈ જીવન સાથી આત્મહત્યા કરે છે અને આ હકીકત કોર્ટમાં સાબિત થઈ જાય છે તો એના ઉપર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો કેસ ચલાવી શકાશે.

વ્યભિચાર કેસમાં ચંદ્રચૂડ વિરૂદ્ધ ચંદ્રચૂડ : પુત્રએ
ફરી એકવાર પિતાના ચુકાદાને પલટી નાખ્યો


તેત્રીસ વર્ષ પહેલાં પિતાએ જે ચુકાદો આપ્યો હતો, તેને પુત્રએ બદલી નાખ્યો હતો. હકીકતમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના પિતા વાય.વી. ચંદ્રચૂડે ચુકાદો આપ્યો હતો કે, કેટલાક ખાસ કેસોમાં અયોગ્ય જાતિય સંબંધો માટે સજાની જોગવાઈ જરૂરથી હોવી જોઈએ, પરંતુ ગુરૂવારે ડી.વાય. ચંદ્રચૂડે એડલ્ટરીને (વ્યભિચાર) ગેરબંધારણીય કરાર આપી દીધો. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આઈપીસીની સેક્શન લૈંગિક ભેદભાવ પર આધારિત છે. લગ્ન બાદ મહિલાની જાતિય સંબંધી સ્વાયત્તતા પર પતિનો એકાધિકાર નથી હોતો. જ્યારે જસ્ટિસ ચંદ્રચૂડના પિતા જસ્ટિસ વાય.વી. ચંદ્રચૂડે સેક્શન ૪૯૭ને બંધારણીય કરાર આપ્યો હતો. આવું બીજી વખત બન્યું છે કે, જ્યારે જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે પોતાના પિતાના ચુકાદાને બદલી નાખ્યો છે. આ પહેલાં એડીએમ જબલપુરના કિસ્સામાં ગોપનિયતાના સિદ્ધાંત પર પણ પોતાનો ચુકાદો લખતા તેમણે પોતાના પિતાના વિચારોથી વિપરિત નિર્ણય સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ ચંદ્રચૂડ પાંચ જજોવાળી બેંચમાંથી એ ચાર જજોમાંના એક હતા, જેમણે તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા કટોકટીને યોગ્ય ઠેરવી હતી. પરંતુ પુત્રએ કહ્યું કે ચાર જજો દ્વારા આપવામાં આવેલા તે નિર્ણયમાં ખામીઓ હતી. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા વ્યક્તિના અસ્તિત્વ સાથે જોડાયેલી બાબતો છે, જેને છિનવી શકાય નહીં.