અમદાવાદ, તા.૪
માધુપુરા પોલીસ લાઈનમાં પોલીસ કોન્સ્ટેબલના પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મરનાર મહિલાના પતિ ઉપેન્દ્રસિંહ ચાવડા સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આપઘાત મામલે મૃતક મહિલાના ભાઈ કિરિટસિંહ વાઘેલાએ પોતાના બનેવી વિરૂદ્ધમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આપઘાત માટે પ્રેરિત કરવા સહિત અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.
છ વર્ષ પહેલા ઉપેન્દ્રસિંહ અને મૃતક પાયલના લગ્ન થયા હતા. માધુપુરા પોલીસ લાઈનમાં સવારે પાયલે આપઘાત કરી લીધો હોવાનો કંટ્રોલ મેસેજ પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પાયલે સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નોંધનીય છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે આરોપી પતિ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઘરે હાજર હતો અને તેઓએ જ રૂમનો દરવાજો તોડ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી ત્યારે પોલીસને હાલ તો કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી પરંતુ મૃતક પાયલના ભાઈઓ પોતાના બનેવી સામે ગંભીર આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી છે.
એફ ડિવિઝન એસીપી જે.કે. ઝાલાનું કહેવું છે કે મરનારના ભાઈનો આક્ષેપ હતો કે તેમની બહેનને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને ૮ લાખ રુપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. સાથો સાથ એવો પણ ગંભીર આરોપ મુક્યો છે કે કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ચાવડાના અન્ય સ્ત્રી સાથે સંબંધો હતા.પોલીસ હાલ તો લાશને પોસ્ટ માર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસનું કહેવું છે કે, આ આપઘાત છે કે પછી અન્ય કોઈ કારણોસર પાયલનું મોત થયું છે તે પોસ્ટ માર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે.