(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
વિધાનસભાની ચૂંટણીને લઈને નારાજ પાટીદારોને મનાવી લેવાના પ્રયાસોના ભાગ રૂપે ભાજપ સરકાર દ્વારા પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા અનામત આંદોલન ચલાવી રહેલ સંસ્થાના અગ્રણીઓ સાથે બેઠક યોજી તેઓની માગણી સ્વીકારની મોટાપાયે જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પરંતુ અનામત આંદોલન ચલાવી રહેલ પાસના અગ્રણી હાર્દિક પટેલે વગેરેએ અનામતની માગણી સંતોષાઈ ન હોઈ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી દેવા સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અગાઉ અને હાલમાં બેઠકો થઈ હોઈ તેમની તમામ માગણી સ્વીકારવાને બદલે અમુક જાહેરાતો કરી સમાધાન થઈ ગયાની જાહેરાત કરી દેવાના ‘મારો હાળો નાનકો ફરી છેતરી ગયો’ના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રાજ્યમાં એક તરફ સરકાર અને પાટીદારો વચ્ચે થયેલી મંત્રણાને સરકાર સફળ માને છે તો બીજી તરફ હાર્દિક પટેલ સહિતના પાસ નેતાઓએ આ મંત્રણાને નિષ્ફળ ગણાવી છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે આ બેઠકમાં અનામત મુદ્દે કોઈ ચર્ચા કરવામાં જ આવી નથી તેથી અનામત વિના આ સમાધાન શકય નથી. તેથી જયાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. જો કે આ અંગે પાસ કન્વીનર તેજસ વધાસિયાએ જણાવ્યું હતું કે સરકારે મીટિંગમાં બોલાવીને નીતિન પટેલને આગળ કરી દીધા હતા. તેમજ મીટિંગમાં માત્રને માત્ર સરકારે નક્કી કરેલા એજન્ડા પર સમાધાન કરવામાં આવ્યું હતું. તેમજ તાત્કાલિક જાહેરાત કરી દેવામાં આવી હતી. જેના પગલે પાટીદાર અનામતની મુખ્ય માગણી બાજુમાં મુકીને સરકારે ફરી એકવાર નીતિન પટેલના માધ્યમથી પાટીદારોને છેતર્યા છે. જેથી હાલ સોશિયલ મીડિયા પર પાટીદારોના આ આક્રોશને લોકો સુધી પહોંચાડવા માટે ‘મારો હાળો નાનકો ફરી છેતરી ગયો’ બેનર મુકવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી રાજયમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને ઉકેલવા સરકાર અને પાટીદારો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ નીવડી છે તેમ પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. જેના પગલે પાસના કાર્યકરોએ સરકારે પાટીદારોને ફરી એકવાર લોલીપોપ આપી હોવાનું જણાવીને તેને વહેંચી હતી. અનામત મુદ્દેની બેઠક મામલે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકાર તમામ મુદ્દે ગોળગોળ વાતો કરે છે. અનામત નહીં આપે ત્યાં સુધી સમાધાન નહીં થાય આ બેઠકમાં અનામત મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. આંદોલન અનામત ના મળે ત્યાં સુધી ચાલુ રહેશે.