પાટણ,તા.૪
પાટણ તાલુકાના મહેમદપુર ગામે પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. કિરીટ પટેલની જાહેરસભા યોજાઈ હતી જેમાં પાટણ જિલ્લા દેસાઈ, રબારી સમાજના આગેવાન અને ભાજપ અગ્રણી એવા કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ તથા નોરતા ગામના સરપંચ કેશાજી ઠાકોર પોતાના પ૦૦૦થી વધુ ટેકેદારો સાથે સાગમટે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા સંકલ્પ કર્યો હતો. સભાને સંબોધતા ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ રપ વૃષ સુધી ભાજપે ઘૂટેલી ભાંગ પીધા બાદ હાર્દિક પટેલના કારણે ભાનમાં આવ્યો છે અને હવે એક જૂથ બની ભાજપને મતરૂપી હથિયારનો ઉપયોગ કરી પાડી દેવાના મૂડમાં છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીએ અત્યાચારી શાસકો સામે બંડ પોકારી ન્યાયનું શાસન લાવવા માટેની છે. ભાજપના અત્યાચારનો દરેક સમાજ ભોગ બની ચૂકયો છે. ત્યારે રાજયની શાંતિપ્રિય પ્રજામાં એક લોકજુવાળ ઉભો થયો છે. વિજયી બન્યા બાદ કોઈપણ સમાજને અન્યાય થતો હશે ત્યારે તેના રક્ષણ માટે ઢાલ બની ઉભા રહેવાની ખાતરી આપી હતી. પ૦૦૦થી વધુ ટેકેદારો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાનાર કાનજીભાઈ દેસાઈએ પોતાના ટેકેદારોને ખંતપૂર્વક કોંગ્રેસને વિજયી બનાવવા કામે લાગી જવા હાકલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કાનજીભાઈ દેસાઈએ પાટણ વિધાનસભા બેઠક પર અગાઉ અપક્ષ ઉમેદવારી કરી હતી અને ૧૭ હજારથી વધુ મતો લાવી ભાજપના ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ કે જેઓ પ હજાર મતની લીડથી વિજયી બન્યા હતા તેઓને જીતાડવામાં આડકતરી રીતે મદદરૂપ બન્યા હતા. જયારે આ વખતે તેઓ ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાતા પાટણ જિલ્લા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોર, ચેલાભાઈ ચૌધરી, પૂર્વ ડીવાયએસપી ઈશ્વરભાઈ રબારી, ઈદ્રીશભાઈ, ફતેહ રણુંજ, બળદેવભાઈ જોશી, લાલેશ ઠકકર, અલ્કાબેન પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં આજુબાજુના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.