(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
પાટીદાર સમાજના આંદોલનકારી યુવાનોને કાશ્મીર, અફઘાનિસ્તાનના પ્રોક્સીવોર નક્સલવાદ પ્રવૃત્તિ સાથે સરખાવીને વિવાદ સર્જનાર જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલને બરતરફ કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિએ પો. કમિ. સતીષ શર્માને આવેદનપત્ર પાઠવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, જોઈન્ટ પો. કમિ. હરેકૃષ્ણ પટેલનો વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.
પો.કમિ.સતીષ શર્માને પાસ કન્વિનર ધાર્મિક માલવિયાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી પાટીદાર અનામત આંદોલનને લઈને આંદોલનકારીઓ દ્વારા ગુજરાત સરકારની સામે પોતાની સમાજના હિત માટે આંદોલન ચલાવાઈ રહ્યું છે ત્યારે શાસનમાં બેઠેલ ભારતીય જનતા પાર્ટી આંદોલન તોડી પાડવાના હેતુ સાથે સત્તા અને કાયદાનો દુરૂપયોગ કરી આંદોલન કઈ રીતે બંધ થાય તે માટેના પ્રયાસો કરી રહ્યાં છે અને તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને પાર્ટીને વ્હાલા થવાવાળા ઘણા સરકારી કર્મચારીઓ (અધિકારીઓ) આ બાબતે પોતાની કંઈકને કંઈક ભૂમિકા આંદોલન તોડવા માટે ભજવી રહ્યાં છે અને તેવી જ ભૂમિકા સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલ પણ ભજવી રહ્યા હોય તેમ ગઈકાલે તેમનો મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ થયો તે જોતા સમાજના જાહેર મંચ પરથી એક ઉચ્ચ સ્થાન પર જવાબદારી સંભાળતા અધિકારી ન બોલી શકે તે પ્રકારની વાતો માત્રને માત્ર આંદોલનકારીઓને ટાર્ગેટ કરી જાહેર મંચ પરથી બોલે છે ગુજરાતના યુવાનોની માગને નક્સલાઈસ પ્રવૃત્તિ સાથે જોડી કાશ્મીર અને અફઘાનિસ્તાનના પ્રોકસીવોર સાથે આંદોલન સરખાવી દેવાયું છે તે ખૂબ જ દુઃખદ બાબત છે તે સંદર્ભે ગુજરાતના યુવાનો અને આંદોલનકારીઓની સાથે-સાથે પાટીદાર સમાજની લાગણી દુભાણી છે. તંદુરસ્ત લોકશાહી અને સમાજના હિત માટે અન્યાયનો પ્રતિકાર કરવાની બંધારણે સર્વે નાગરિક તરીકેના હક્કો આપેલા છે. અમુક પોલીસ રાજકીય હાથો બનીને યુવાનોના ભવિષ્યને બગાડે. ધાક ઊભી કરવા અત્યાચાર કરે અને આવા અધિકારીઓ તેમના અંગત સ્વાર્થ સિદ્ધ કરવા આમ જનતામાં અન્યાય વિરૂદ્ધ અવાજ કરનાર સાથે ઘાતકી વલણ અપનાવી અત્યારચાર કરે. એટલે તેનો પ્રતિકાર થાય જ અને તે પ્રતિકાર કરનારનો ખોટો પ્રચાર કરી સત્તાનો દુરૂપયોગ કરી આખા સમાજને ઈમોશન બ્લેકમેઈલ કરે તે કોઈ પણ સમાજ માટે ઘાતક નીવડે. હરેકૃષ્ણ પટેલની કાર્ય પદ્ધતિનો આ રસ્તો સહુ કોઈ સમાજ માટે ખરાબ સાબિત થાય એટલે આવા લોકોને તાત્કાલિક હોદ્દા પરથી બરતરફ કરવા જોઈએ.