પાટણ, તા.૧૪
પાટણ નજીક આવેલ કિમ્બુવા ગામે પાટીદાર અને ઠાકોર સમાજની મહિલાઓના વિરોધના કારણે આજે નર્મદા રથ ગામમાં પ્રવેશી શક્યો ન હતો અને કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. સમસ્ત ગામની મહિલાઓ થાળી વેલણ, કાળા વાવટા અને વિવિધ બેનરો સાથે ગામના પ્રવેશદ્વારે બેસી ગઈ હતી. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા રથને બારોબાર અન્ય સ્થળે રવાના કર્યો હતો.
પાટણ જિલ્લામાં નર્મદા મહોત્સવ અંતર્ગત નર્મદા રથને ફેરવવામાં આવી રહ્યો છે અને જે તે ગામે વિવિધ કાર્યક્રમો યોજી ભાજપ સરકારનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જિલ્લામાં આ રથને કેટલાક ગામોમાં આવકાર મળી રહ્યો છે જ્યારે કેટલાક ગામોમાં ભારે વિરોધ પ્રદર્શનો સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આ રથ પાટણ નજીકના કિમ્બુવા ગામે આવવાનો હતો અને તેને અનુલક્ષી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ નર્મદા રથ આવવાના સમયે જ પાટીદાર અને ઠાકોર સમાજની મહિલાઓ કાળાવાવટા, વિવિધ સૂત્રો લખેલા બેનરો અને થાળી, વેલણ સાથે રસ્તા ઉપર ઉતરી આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓનું આ રૌદ્ર સ્વરૂપ જોઈ આયોજકો મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. મહિલાઓ ગામના પ્રવેશ દ્વારે જ બેસી ગઈ હતી અને પાટીદાર સમાજને ન્યાય આપોની માગણી સાથે ભાજપ સરકારના છાજિયા લીધા હતા. મહિલોના ભારે વિરોધ પ્રદર્શનને લઈ નર્મદા રથ કિમ્બુવા ગામમાં પ્રવેશવાને બદલે બારોબાર નીકળી ગયો હતો.