અમદાવાદ, તા.૧૭
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સંયુક્ત રીતે જણાવ્યું કે, પાટીદાર આંદોલન સંદર્ભે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે યોજાયેલ બેઠકમાં પાટીદાર યુવાનો સામેના કેસો પાછા ખેંચવા ખાતરી આપી હતી તેના ભાગરૂપે આજે વધુ રર૩ કેસોમાં રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ દાખવી આગળની કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સંદર્ભે નોંધાયેલ પોલીસ કેસોની સમયાંતરે સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-ર૦૧૬માં ૧૦૯ કેસો, ત્રીજી ઓક્ટોબર-ર૦૧૭ના ૪ર કેસો તથા ૧૬ ઓક્ટોબર ર૦૧૭ના રોજ ૯૪ કેસો મળી અલગ અલગ તબક્કે કુલ ર૪પ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. આમ, પાટીદાર આંદોલન સંદર્ભે અત્યાર સુધી નોંધાયેલ ગુના પૈકી ૪૬૮ કેસો બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.