Ahmedabad

પાટીદારો સામેના ૪પ૦ કેસો ૧૦ દિવસમાં પાછો ખેંચવા હિલચાલ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
પાટીદારો ઉપર થયેલા કેસો પાછા ખેંચવા સરકારે કરેલી જાહેરાત પ્રમાણે તે દિશામાં સરકારે કદમ ઉઠાવ્યો હોય તેવું સ્પષ્ટ થયું છે. પાટીદારો ઉપર થયેલા ૪પ૦ જેટલા કેસો ૧૦ દિવસમાં સરકાર પાછા ખેંચશે તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલનથી ગભરાઈ ગયેલી સરકારે પાટીદારોને મનાવવા ઘણીવાર પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. તે તમામ બેઠકો નિષ્ફળ ગયા બાદ હવે ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પાટીદારોના મતો કયાંક તેમની વિરૂદ્ધમાં પડે તો તેવા ભયથી કાંપતી ગુજરાતની ભાજપ સરકારે ફરી પાટીદારોને મનાવવા તાજેતરમાં બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે બિનઅનામત આયોગ બનાવવાની અને પાટીદારો ઉપર કેસો પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જેમાં આયોગની મંજૂરી મળી પરંતુ આયોગની રચના કરવાની કાર્યવાહી લાંબી છે. ત્યારે ચૂંટણી આવી જાય તો ત્યાં સુધી તો આયોગ બની શકે તેમ નથી. એટલે સરકારે તાકિદે આંદોલન વેળા પાટીદારો ઉપર થયેલા ૪પ૦ જેટલા કેસો ૧૦ દિવસમાં પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેના માટે જે-તે શહેરના સરકારી વકીલ કોર્ટમાં તેમનો રિપોર્ટ આપશે.
આથી ચૂંટણીઓ સરકાર પાટીદારોની વોટબેંક સાચવવા તેમના ઉપર થયેલા કેસો પાછા ખેંચવાની તૈયારી દર્શાવી છે. ત્યારે સરકારના આવા નિર્ણય સામે પણ કેટલાક કર્મશીલો અને જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકારી મિલકતોને નુકસાન, રેલવેના પાટા ઉખાડવાના ગુનાઓ, પોલીસ ઉપર હુમલા જેવા ગુનાઓને ગુજરાત સરકાર રદ કરી શકે ખરી ??
ત્યારે સરકાર પાટીદારોને મનાવવા કેસો પાછા ખેંચે તો અન્ય સમાજ કે અન્ય વર્ગોમાં સરકારની ભેદભાવવાળી નીતિ સામે રોષ પ્રવર્તે તો નવાઈ નહીં.